કોરોનાની પરિસ્થિતિ અંગે SCએ આ રાજ્યોની સરકાર પાસે માંગ્યો જવાબ

23 November, 2020 02:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

કોરોનાની પરિસ્થિતિ અંગે SCએ આ રાજ્યોની સરકાર પાસે માંગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટ

દેશનાં કેટલાક રાજ્યોમાં વધી રહેલા કોરોના વાયરસ (COVID-19)ના કેસ અંગે સુપ્રીમ કોર્ટે ધ્યાન દોર્યું છે. સોમવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને આસામ જેવા રાજ્યોને બે દિવસની અંદર સોગંદનામું દાખલ કરીને એ જણાવવા માટે કહ્યું છે કે કોરોનાની હાલની સ્થિતિ સામે પહોંચી વળવા માટે તેમણે શું ઉપાય કર્યા છે. સુપ્રીમ કોર્ટે કોરોનાના કેસ વધવા છતાં લગ્ન અને સમારોહ કરવાની મંજૂરી આપવા માટે ઝાટકણી કાઢી છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં દિલ્હી અને મહારાષ્ટ્ર પછી સૌથી ખરાબ સ્થિતિ છે. હવે આ કેસમાં આગામી સુનાવણી શુક્રવારે થશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સાંભળ્યું છે કે આ મહિનામાં કોરોનાના કેસમાં ભારે વધારો થયો છે. અમારે રાજ્યો પાસેથી હાલના રિપોર્ટ જોઈએ છે. જો તૈયારી યોગ્ય રીતે નથી કરી તો ડિસેમ્બરમાં સ્થિતિ વધુ બગડી શકે છે. સુપ્રીમ કોર્ટે કોરોનાના દર્દીઓની યોગ્ય રીતે સારવાર ન થવા અને હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓની લાશ સાથે યોગ્ય વ્યવહાર ન કરવા અંગે જાતે નોંધ લીધી છે. કેસની સુનાવણી ત્રણ જજોની બેંચ કરી રહી છે, જેમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમપી શાહ સામેલ છે.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, મીડિયા રિપોર્ટ પ્રમાણે, દિલ્હીની એક સરકારી હૉસ્પિટલમાં લોબી અને વેઈટિંગ એરિયામાં લાશ પડી હતી. વોર્ડમાં મોટા ભાગનાં બેડ ખાલી હતાં, તેમ છતાં દર્દી ફાંફાં મારી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં કેન્દ્ર પાસે પણ જવાબ માગ્યો છે.

દિલ્હી સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ સંજય જૈને કોર્ટને કહ્યું હતું કે, પ્રાઈવેટ હૉસ્પિટલ્સમાં કોરોનાના દર્દીઓ માટે 80 ટકા ICU બેડ રિઝર્વ છે. અમે ગાઈડલાઈન્સનું પૂરી રીતે પાલન કર્યું છે. કોર્ટે કહ્યું હતું કે, તમે હાલની સ્થિતિ અંગે ડિટેઇલમાં સ્ટેટ રિપોર્ટ દાખલ કરો.

ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા જસ્ટિસ શાહે કહ્યું હતું કે, કોરોના સંક્રમણના વધતા કેસ છતાં ગુજરાતમાં લગ્ન, સમારોહ અને અન્ય કાર્યક્રમોમાં છૂટ આપવામાં આવી છે. અહીં દિલ્હી અને મહારાષ્ટ્ર પછી સૌથી ખરાબ સ્થિતિ છે. તમારી પોલિસી શું છે? શું થઈ રહ્યું છે? આ બધું શું છે?

તમને જણાવી દઈએ કે, રાજધાની દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં 6,746 કેસ નોંધાયા હતા. જ્યારે કુલ 5,29,863 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 5,753 કેસ નોંધાયા હતા. જ્યારે અત્યાર સુધી 17,80,208 કેસ નોંધાયા છે. ગુજરાતની વાત કરીએ તો અહી છેલ્લા ચોવીસ કલાકમાં 1,495 કેસ નોંધાયા હતા. જ્યારે અત્યાર સુધી 1,97,412 કેસ નોંધાયા છે. આસામમાં છેલ્લા ચોવીસ કલાકમાં 152 કેસ નોંધાયા હતા.

coronavirus covid19 supreme court maharashtra gujarat new delhi assam