સુપ્રીમ કોર્ટે PM Care Fund ને NDRFમાં ટ્રાન્સફર કરવાની માંગને ફગાવી

18 August, 2020 01:24 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સુપ્રીમ કોર્ટે PM Care Fund ને NDRFમાં ટ્રાન્સફર કરવાની માંગને ફગાવી

પ્રતીકાત્મક તસવીર

મંગળવારે સુપ્રીમ કોર્ટે PM Care Fund કેસમાં ચુકાદો આપ્યો છે. જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે, PM Care Fund માંથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)માં નાણાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપી શકાતો નથી. તેમને વધુમાં કહ્યું કે, નવી આપત્તિ રાહત યોજનાની પણ જરૂર નથી. સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (CPIL) એનજીઓએ આ મામલે સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નવેમ્બર 2019માં બનાવવામાં આવેલી એનડીઆરએફ કોરોના સંકટને પહોંચી વળવા માટે સક્ષમ છે. કોઈ નવા એક્શન પ્લાન અને ન્યૂનતમ માપદંડોને અલગ કરવાની જરુર નથી. ઉલ્લેખનીય છે કે અરજી કરનાર એનજીઓ, સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન(સીપીઆઈએલ)એ દાવો કર્યો હતો કે, ડીએમ એક્ટ હેઠળ કાયદાના આદેશનું ઉલ્લંઘન કરતા PM Care Fund બનાવવામાં આવ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે, ડીએમ એક્ટ મુજબ સંકટને પહોંચી વળવા માટે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરવામાં આવેલા કોઈ પણ અનુદાન અનિવાર્ય રુપથી એનડીઆરએફને ટ્રાન્સફર કરવામાં આવે.

સરકારે 8 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું હતું. સરકારનું કહેવું હતું કે, કોરોના મહામારી દરમિયાન રાહતના કામ કરવા માટે PM Care Fund બનાવવામાં આવ્યું હતું. આ પહેલા પણ આવા અનેક ફંડ બનાવવામાં આવ્યા હતા. એનડીઆરએફ જેવા બંધારણીય ભંડોળ હોવાનો અર્થ એ નથી કે PM Care Fund જેવા અન્ય ભંડોળ સ્વૈચ્છિક દાન માટે બનાવી શકાતા નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, PM Care Fund બનાવવાનો ઉદ્દેશ એનડીઆરએફને નિષ્ફળ બનાવવાનો નથી, જે રીતે અરજદાર દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

દરમિયાન, રાહુલ ગાંધીએ PM Care Fund પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું 'તમે દાતાઓનાં નામ કેમ નથી આપતા?'

supreme court national news