31 January, 2026 07:52 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેમાં માસિક સ્રાવની સ્વચ્છતાને જીવનના અધિકારનો એક ભાગ જાહેર કરવામાં આવ્યો છે અને તમામ સ્કૂલોમાં છઠ્ઠાથી બારમા ધોરણની તરુણીઓ માટે બાયોડીગ્રેડેબલ સૅનિટરી પૅડ્સની જોગવાઈ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જે સ્કૂલો છોકરાઓ અને છોકરીઓ માટે અલગથી ટૉઇલેટ આપવાની સુવિધા ન આપી શકે એવી સ્કૂલોની માન્યતા રદ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ટૉઇલેટ્સ દિવ્યાંગો પણ સરળતાથી વાપરી શકે એવાં હોવાં જોઈએ એવો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોમાં લિંગ-આધારિત શૌચાલય અને માસિક સ્રાવ સ્વચ્છતા સુવિધાઓ અંગેની જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટે આ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે શિક્ષણનો અધિકાર મલ્ટિપ્લાયર અધિકાર છે જે અન્ય મૂળભૂત અધિકારોનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે અને એ જીવન અને માનવગૌરવના અધિકારનો એક ભાગ છે.
આ મુદ્દે જસ્ટિસ પારડીવાલાએ જણાવ્યું હતું કે માસિક સ્રાવ સ્વચ્છતાનો અભાવ ગૌરવ, પ્રાઇવસી, આરોગ્ય અને સમાનતાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાહેર અને ખાનગી, ગ્રામીણ અને શહેરી બન્ને સ્કૂલોમાં વાપરી શકાય એવા પાણીના કનેક્શન સાથે અલગ શૌચાલય, સાબુ અને પાણીથી હાથ ધોવાની સુવિધાઓ પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ ઉપરાંત સ્કૂલોમાં માસિક સ્રાવ સ્વચ્છતા વ્યવસ્થાપન કૉર્નર હોવાની જરૂરિયાત પર પણ સુપ્રીમ કોર્ટે ભાર મૂક્યો છે જે વધારાના યુનિફૉર્મ, અન્ડરવેઅર, ડિસ્પોઝેબલ બૅગ સાથે સજ્જ હોવા જોઈએ.