06 May, 2025 08:49 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુલતાના બેગમે દિલ્હીના લાલ કિલ્લા
મુગલ સમ્રાટ બહાદુરશાહ ઝફરના વંશજ હોવાનો દાવો કરનારી સુલતાના બેગમે દિલ્હીના લાલ કિલ્લાની માલિકીની માગણી કરી હતી, પણ સુપ્રીમ કોર્ટે તેની અરજી એકઝાટકે ફગાવી દીધી હતી. કોર્ટે આ અરજીને સંપૂર્ણપણે ખોટી ગણાવી હતી અને શાહી વંશ અને ઐતિહાસિક અન્યાય પર આધારિત તેની દલીલને ધ્યાનમાં લેવાનો પણ ઇનકાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભવિષ્યમાં સુલતાના બેગમ માટે લાલ કિલ્લા પર દાવો કરવો સંભવ નહીં હોય.
સુલતાના બેગમે દાવો કર્યો હતો કે ૧૮૫૭માં અંગ્રેજોએ ખોટી રીતે અમારા હાથમાંથી લાલ કિલ્લો પડાવી લીધો હતો. આ મુદ્દે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે અરજી પર પરેશાની વ્યક્ત કરતાં સવાલ કર્યો હતો કે તમે માત્ર લાલ કિલ્લો જ કેમ માગ્યો, ફતેહપુર સીકરી પણ માગવો હતો, બાકીની ઇમારતોને કેમ છોડી દીધી?
૨૦૨૧માં સુલતાના બેગમે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરીને લાલ કિલ્લાનો કબજો તેને સુપરત કરવાની માગણી કરી હતી. તેણે ખુદને છેલ્લા મુગલ બાદશાહ બહાદુરશાહ ઝફરના પ્રપૌત્રની પત્ની ગણાવી હતી. હાઈ કોર્ટની સિંગલ બેન્ચે આ અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે આ વાતને સાચી માની લેવામાં આવે તો પણ ૧૬૪ વર્ષ બાદ કરવામાં આવનારા દાવા પર વિચાર કરવામાં આવી શકે નહીં.
સુલતાના બેગમે અઢી વર્ષ બાદ દિલ્હી હાઈ કોર્ટની ડબલ બેન્ચ સામે અપીલ કરી હતી. આ મુદ્દે હાઈ કોર્ટે ૨૦૨૪ના ડિસેમ્બર મહિનામાં આ અપીલને એમ કહીને ઠુકરાવી દીધી હતી કે સિવિલ કેસમાં અપીલ રજૂ કરવાની એક સમયસીમા હોય છે, ૯૦૦ દિવસ બાદ અરજી કરી શકાય નહીં.