16 October, 2026 08:10 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ (ફાઈલ તસવીર)
મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમ્યાન મોટા પાયે મતદારોનાં નામ કથિત રીતે કાપી નાખવામાં આવ્યાં હોવાના આરોપો વિશે સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI)ને નોટિસ ફટકારી હતી. કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીની સુનાવણી કરતાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તેમ જ અન્ય ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીને પણ નોટિસ પાઠવી હતી.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે આ SIR દરમ્યાન વિશેષ રીતે યુવાનો, સ્થળાંતર કરનારા લોકો અને વંચિત વર્ગના યોગ્ય મતદારોનાં નામ મોટી સંખ્યામાં મતદારયાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત અરજીમાં ચૂંટણીપંચના આ તમામ નિર્ણયોની બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓના સંદર્ભમાં ઝીણવટભરી તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચ તેમ જ અન્ય પ્રતિવાદીઓ પાસેથી આ વિશે લેખિત જવાબ માગ્યો છે.
ખંડપીઠે આ ગંભીર મામલાને મતદારયાદી વિશેની અન્ય પેન્ડિંગ અરજીઓ સાથે જોડી દેવાનો પણ આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર નોટિસ ફટકારવાનો અર્થ કોઈ પણ પક્ષ કે વ્યક્તિની નિંદા કરવાનો નથી, પરંતુ સત્ય જાણવાનો છે. હવે આગામી સુનાવણીમાં ચૂંટણીપંચ અને અન્ય પક્ષોનો સ્પષ્ટ લેખિત જવાબ આવ્યા બાદ જ આગળની વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.