સુપ્રીમ કોર્ટે ઈવીએમથી મતદાનને પડકારતી અરજી ફગાવી દીધી

13 August, 2022 09:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિપક્ષો ઘણા સમયથી ઈવીએમ (ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન)ના બદલે બૅલટ પેપરથી ચૂંટણીઓમાં મતદાન કરાવવાની માગણી કરી રહ્યા છે

ફાઇલ તસવીર

વિપક્ષો ઘણા સમયથી ઈવીએમ (ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન)ના બદલે બૅલટ પેપરથી ચૂંટણીઓમાં મતદાન કરાવવાની માગણી કરી રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જન પ્રતિનિધિત્વ કાયદાની એક જોગવાઈની બંધારણીય માન્યતાને પડકારતી એક અરજીને ફગાવી દીધી હતી કે જેના હેઠળ દેશમાં ચૂંટણીઓ માટે બૅલટ પેપરના બદલે ઈવીએમનો ઉપયોગ શરૂ થયો છે.

જસ્ટિસ એસ. કે. કૌલ અને એમ એમ સુંદરેશે આ કાયદાની કલમ ૬૧ (એ)ને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો જે ચૂંટણીઓમાં વોટિંગ મશીન્સને સંબંધિત છે. આ અરજી દાખલ કરનારા ઍડ્વોકેટ એમ એલ શર્માએ બંધારણની કલમ ૧૦૦નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે એમાં એક ફરજિયાત જોગવાઈ છે.

તેમણે કહ્યું હતું કે ‘મેં જન પ્રતિનિધિત્વ કાયદાની કલમ ૬૧ (એ)ને પડકારી છે, કેમ કે લોકસભા કે રાજ્ય સભામાં મતદાન દ્વારા એને પસાર કરવામાં આવી નથી.’ બેન્ચે સવાલ કર્યો હતો કે ‘તમે સામાન્ય ચૂંટણીઓમાં મતદાનને પડકારી રહ્યા છો? તમે કઈ બાબતને પડકારી રહ્યા છો?’

શર્માએ જણાવ્યું હતું કે તેઓ આ કાયદાની કલમ ૬૧(એ)ને પડકારી રહ્યા છે કે જે ઈવીએમના ઉપયોગને મંજૂરી આપે છે. જોકે બેન્ચે મૌખિક રીતે જણાવ્યું હતું કે ‘અમને કોઈ મેરિટ જણાતું ન હોવાથી આ અરજીને ફગાવી દેવામાં આવે છે.’

national news supreme court