10 November, 2025 08:38 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ‘ભારતમાં મિલકત ખરીદવી અને વેચવી એ ટ્રૉમા આપનારો અનુભવ બની ગયો છે. જમીન ખરીદવી આજે એક મુશ્કેલ અનુભવ બની ગયો છે. સિસ્ટમ એટલી જટિલ છે કે સામાન્ય નાગરિકો એ પ્રક્રિયામાં માનસિક રીતે થાકી કે કંટાળી જાય છે.’
કોર્ટે સરકારને પારદર્શક નોંધણી સુનિશ્ચિત કરવા માટે બ્લૉકચેઇન ટેક્નૉલૉજી અપનાવવાની સલાહ આપી હતી. આ સંદર્ભમાં ન્યાયાધીશ પી. એસ. નરસિંહા અને જોયમલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે ‘ખોટા દસ્તાવેજો, જમીન કબજે કરવી, વિલંબિત ચકાસણી, વચેટિયાઓની ભૂમિકા અને સરકારના રેઢિયાળ કારભારને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રને સામાન્ય નાગરિકો માટે ખાણ ક્ષેત્ર બનાવી દીધું છે. ભારતમાં મિલકત ખરીદવી અને વેચવી એ સામાન્ય લોકો માટે માનસિક રીતે થાકી જવાનો અનુભવ બની ગયો છે. દેશની અદાલતોમાં પેન્ડિંગ રહેલા ૬૬ ટકા સિવિલ કેસોમાં મિલકતના વિવાદો સામેલ છે જે દર્શાવે છે કે જમીન અને મિલકત વ્યવસ્થાપન પ્રણાલી કેટલી હદે અવ્યવસ્થિત અને જટિલ બની ગઈ છે. કોઈ પણ રાષ્ટ્રની સંસ્થાકીય પરિપક્વતા મિલકતની ખરીદી અને વેચાણ કેટલી પારદર્શક અને કાર્યક્ષમ છે એના પરથી માપવામાં આવે છે.
કોર્ટે જણાવ્યું હતું કે ઓગણીસમી સદીના વસાહતી યુગના કાયદાઓ, હવે વર્તમાન ટેક્નૉલૉજિકલ યુગ સાથે સુસંગત નથી. કોર્ટે કાયદાપંચને આ કાયદાઓમાં વ્યાપક સુધારા માટે એક અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને બ્લૉકચેઇન ટેક્નૉલૉજી અપનાવવા તરફ આગળ વધવા પણ કહ્યું હતું જેથી સમગ્ર દેશમાં મિલકત નોંધણી પારદર્શક અને એકીકૃત થઈ શકે. બ્લૉકચેઇન સિસ્ટમ દ્વારા જમીન રેકૉર્ડ, કૅડસ્ટ્રલ નકશા, સર્વે ડેટા અને મહેસૂલ રેકૉર્ડને એક જ પ્લૅટફૉર્મમાં એકીકૃત કરી શકાય છે. આ સિસ્ટમ દરેક વ્યવહારનો ડિજિટલ, સમય-સ્ટૅમ્પ્ડ રેકૉર્ડ જાળવશે જેને બદલી શકાતો નથી. આ છેતરપિંડી પર કાબૂ મેળવશે અને જનતાને પારદર્શક અને વિશ્વસનીય નોંધણી સિસ્ટમ પ્રદાન કરશે.
માલિકી અને નોંધણી વચ્ચેનો તફાવત મોટી સમસ્યા
જસ્ટિસ નરસિંહાએ જણાવ્યું હતું કે ‘ભારતમાં રજિસ્ટ્રેશન એ માલિકીનો પુરાવો નથી. એ ફક્ત રેકૉર્ડ એન્ટ્રી છે જેનો પુરાવો મર્યાદિત છે. નોંધણી અને માલિકી વચ્ચેનો આ તફાવત નોંધપાત્ર વિવાદોને જન્મ આપે છે. ખરીદદારોને હજી પણ ૩૦ વર્ષ જૂની ફાઇલો શોધવી પડે છે અને નો એન્કમ્બ્રન્સ સર્ટિફિકેટ (NEC) જેવા દસ્તાવેજો મેળવવા માટે મહિનાઓ ઑફિસોમાં વિતાવવા પડે છે. આ પરિસ્થિતિ માત્ર નાગરિકોને જ પરેશાન કરતી નથીપણ ન્યાયિક વ્યવસ્થા પર ભારે બોજ પણ નાખે છે.’