31 December, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍક્ટ્રેસ સની લીઓની
શ્રીકૃષ્ણની નગરી મથુરામાં નવા વર્ષની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એક તરફ નવા વર્ષે બાંકે બિહારીજીનાં દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ વૃંદાવન પહોંચી રહ્યા છે ત્યારે બીજી તરફ મોટી હોટેલો અને ક્લબ્સ નવા વર્ષની ઉજવણીને ખાસ બનાવવાના પ્રયાસોમાં લાગી છે. આ પ્રયાસના ભાગરૂપે નવા વર્ષે મથુરામાં ઍક્ટ્રેસ સની લીઓનીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે હિન્દુ સંગઠનોને આ વાતની જાણ થતાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ ભારે વિરોધને ધ્યાનમાં રાખીને સની લીઓનીનો કાર્યક્રમ તાત્કાલિક રદ કરવામાં આવ્યો છે.
નવા વર્ષ પર સની લીઓનીનો આ કાર્યક્રમ મથુરાની ‘ધ ટ્રન્ક’ ક્લબ દ્વારા આયોજિત થવાનો હતો. કાર્યક્રમની જાણ મથુરામાં ફેલાતાં જ હિન્દુ સંગઠનોએ વિરોધ શરૂ કર્યો અને કાર્યવાહી કરવાની માગ ઉઠાવી. સની લીઓનીના આ કાર્યક્રમ મામલે સાધુ-સંતોએ આ મુદ્દે ખુલ્લો મોરચો સંભાળીને ભગવાન શ્રીકૃષ્ણની નગરી બ્રજભૂમિનું અપમાન થતું હોવાનો આરોપ લગાવ્યો હતો અને આ પ્રકારના કાર્યક્રમોને તાત્કાલિક બંધ કરવાની માગ ઉઠાવી હતી. આ પછી સાધુ-સંતોએ આ બાબતે જિલ્લા-અધિકારીને લેખિત ફરિયાદ પણ પાઠવી હતી. આ અરજીના પગલે જિલ્લા-પ્રશાસને ૩૧ ડિસેમ્બરે યોજાનારા કાર્યક્રમને મંજૂરી આપી નથી, જેના કારણે આખરે આ કાર્યક્રમ રદ કરવો પડ્યો છે.
આ મામલે કાર્યક્રમના આયોજક સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે બ્રજવાસીઓની ભાવનાઓને ધ્યાનમાં રાખીને પહેલી જાન્યુઆરીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. તેમણે ખાતરી પણ આપી કે ભવિષ્યમાં કોઈ એવું કાર્ય નહીં થાય જે બ્રજવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે.