સુધા મૂર્તિની સાદગી, વિદેશમાં પણ લઈ જાય છે રસોડાંની આ વસ્તુઓ

26 July, 2023 06:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સુધા મૂર્તિ પ્રવાસમાં 25-30 રોટલીઓ, થોડો ફ્રાય કરેલો રવો અને એક નાનકડા કૂકરથી ભરેલી રસોઈની બેગ હંમેશા સાથે રાખે છે. આ વાનગી તેઓ થોડા ગરમ પાણી સાથે સંતોષકારક રીતે જમી શકે છે.

સુધા મૂર્તિ (ફાઈલ તસવીર)

જાણીતાં ભારતીય લેખિકા અને ઈન્ફોસિસ(Infosys)ના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિ પોતાની સાદી અને ડાઉન-ટુ-અર્થ જીવનશૈલી માટે ચર્ચામાં આવ્યા છે. જોકે, તેમના સામાન્ય જીવન જીવવાના ઘણા કિસ્સાઓ પહેલા પણ સામે આવ્યા છે. 

તાજેતરમાં જ તેઓ બ્રિટિશ વડા પ્રધાન અને તેમના જમાઈ ઋષિ સુનાક(Rishi Sunak)ના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેઓ વિદેશમાં મુસાફરી કરતી વખતે પણ પોતાનું ભોજન કેવી રીતે સાથે લઈ જાય છે તે હાલમાં લોકોના રસનો વિષય બન્યો છે. અનેક લોકો તેમના આ સરળ વ્યક્તિત્વના વખાણ કરી રહ્યા છે.

તેમની આ સામાન્ય જીવનશૈલી માટે અનેક લોકો ટ્વિટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ ટ્વિટમાં લખ્યું હતું કે, “સુધા મૂર્તિ જે રીતે પોતાના નાના પ્રેશર કૂકર, પ્યોર વેજ રેડીમેડ પોહા પેકેટ અને બેટરીથી ચાલતા ઇન્ડક્શન કૂકરને બધે લઈ જાય છે અને પોતાની ચમચી વડે પોતાનું રાત્રિભોજન રાંધે છે તે મને બહુ જ ગમી રહ્યું છે.”

તાજેતરમાં જ ફૂડ રાઈટર અને ટીવી પર્સનાલિટી કુણાલ વિજયકર દ્વારા હોસ્ટ કરાયેલા શો "ખાને મેં ક્યા હૈ" પર સુધા મૂર્તિના દેખાવ ગજબનો રહ્યો હતો. શો દરમિયાન તેઓએ શુદ્ધ શાકાહારી હોવાની કબૂલાત કરી હતી. તેઓએ સૌથી મોટી વાત શેર કરી હતી કે “શાકાહારી અને માંસાહારી બંને ખાદ્યપદાર્થો માટે એક જ ચમચીનો ઉપયોગ થવાથી મને ચિંતા છે.”

તેઓએ પોતે કહ્યું હતું કે, “હું મારા કામમાં સાહસિક છું, મારા ખોરાકમાં નહીં. હું હકીકતમાં ડરું છું. હું શુદ્ધ શાકાહારી છું. હું ઈંડા કે લસણ પણ નથી ખાતી. આ માટે સતત મને મને ડર લાગતો રહે છે કે શાકાહારી અને માંસાહારી બંને ખાદ્યપદાર્થો માટે એક જ ચમચીનો ઉપયોગ કરવામાં આવશે" આ ચિંતાનો સામનો કરવા માટે તેઓએ ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, “બહાર ક્યાંય પણ જમવાનું હોય તો હું શાકાહારી રેસ્ટોરન્ટ્સ શોધું છું, જો એવું શક્ય ણ હોય તો હું પોતાની સ્વાદિષ્ટ વાનગીઓથી ભરેલી બેગ સાથે લઈ જાઉં છું.”

તેઓ 25-30 રોટલીઓ, થોડો ફ્રાય કરેલો રવો અને એક નાનકડા કૂકરથી ભરેલી રસોઈની બેગ હંમેશા સાથે રાખે છે. આ વાનગી તેઓ થોડા ગરમ પાણી સાથે સંતોષકારક રીતે જમી શકે છે. 
તેઓ વિદેશમાં ભોજન સાથે લઈ જવા બાબતે હાલ ટ્રોલ થઈ રહ્યા છે. એક ટ્વિટર યુઝરે મજાકમાં કહ્યું, "સુધા મૂર્તિની સાદગી ખરેખર હેરાન કરી રહી છે." બીજાએ મજાકમાં લખ્યું હતું કે, "વિદેશના પ્રવાસો પર સુધા મૂર્તિ પોતાની સાથે ઘર જ લઈ જાય છે, નહીં?" “જો હોટેલના રૂમનો ઉપયોગ કોઈ અન્ય દ્વારા કરવામાં આવે તો શું થશે… ”

infosys great britain rishi sunak national news indian food india