ફૈઝાબાદનાં રામભવનમાં રહેનાર વૃદ્ધ સુભાષ બાબુ હતા?

23 January, 2020 12:51 PM IST  |  Delhi | Mumbai Desk

ફૈઝાબાદનાં રામભવનમાં રહેનાર વૃદ્ધ સુભાષ બાબુ હતા?

સુભાષ ચંદ્રની 123મી જન્મ જયંતીએ તેમના સ્વજનોએ કહેલી તેમની જિંદગીની વાતો

સુભાષ ચંદ્ર બોઝની 123મી જન્મ જયંતી નિમિત્તે તેમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો

26 જાન્યુઆરીએ આપણે 71મો પ્રજાસત્તાક દિવસ ઉજવીશું પણ આપણા ગણતંત્રને આકાર આપવામાં જેનો મહત્વનો ફાળો હતો, જેમના થકી તે મજબૂત થયુ હતું તેવા અનેક મહાનુભાવોને આપણે યાદ કરવા રહ્યા. આજે આવા જ એક જોશીલા મહાનાયક સુભાષ ચંદ્ર બોઝની જન્મય જયંતી છે. 'તુમ મુઝે ખુન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા'ના વચનથી દેશની આઝાદી માટે આગવી લડત લડનારા સુભાષ બાબુની આજે 123મી જન્મ જયંતી છે. આઝાદીની લડતના કિસ્સાઓ અને તેમના જોમની તો ઘણી વાતો છે પણ સુભાષ બાબુ એક એવા નેતા હતા જેમની માત્ર જિંદગી જ નહીં પણ મૃત્યુ પણ રહસ્યમય રહ્યું.

નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી તે તો બધાં જ જાણે છે પણ બહુ ઓછાને ખબર હશે તેમણે એક બીજી ફોજની સ્થાપના કરી હતી જેનું નામ હતું યૂનિફોર્મ વૉલેંટિયર કોર. તેમને પહેલેથી જ સૈન્યનાં અનુશાસન પર વિશ્વાસ હતો. આ જ હેતુથી તેમણે 1928માં કોંગ્રેસમાં યુનિફોર્મ વૉલેંટિયર કોરની રચના કરી હતી અને તેઓ તેના જનરલ ઑફિસર કમાંડિગ હતા. તેઓ પોતાની આ સેનાનાં સભ્યો સાથે કોલકતા મેદાનમાં લાંબી કૂચ, ડ્રિલ, ધોડેસવારી, નિશાનેબાજી, વ્યાયામ વગેરે કરતા.
1897માં કટકનાં એક સાધન સંપન્ન પરિવારમાં જન્મેલા સુભાષ બાબુએ બાળપણ ઓરિસ્સામાં પસાર કર્યું અને ત્યાર બાદ ફિલોસોફીમાં ગ્રેજ્યુએશન કરવા માટે તેઓ કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાં દાખલ થયા. 1919માં બ્રિટેન ગયેલા સુભાષ બાબુએ ચોથા ક્રમાંકે આઇએએસની પરીક્ષા પાસ કરી. જો કે તેઓ વિદેશી સરકારના સેવક તરીકે કામ કરવા નહોતા ઇચ્છતા અને 1921માં તેઓ રાજીનામું આપી ભારત પાછા ફર્યા.

1938માં કોંગ્રેસનાં અધ્યક્ષ બન્યા અને ત્યાર પછીના વર્ષે ફરી અધ્યક્ષ પદની ચૂંટણીમાં ઉભા રહ્યા. તેમની સામે ગાંધી બાપુએ પટ્ટાભિ સિતારમૈયાને ઉભા કર્યા હતા પણ સુભાષ બાબુ સામે તેમની હાર થઇ. કોંગ્રેસ સાથે આગળ જતાં પ્રશ્નો ખડા થયા અને સુભાષ બાબુ કોંગ્રેસમાંથી છૂટા પડ્યા. તેમણે 22 જૂન 1939નાં દિવસે ઑલ ઇન્ડિયા ફૉરવર્ડ બ્લોકની રચના કરી. 2જી જુલાઇ તેઓ કોલકાતાનાં પ્રેસિડેન્સી કારાગારમાં હતા.

આગળ જતાં તેઓ અફઘાનિસ્તાનને રસ્તે સોવિયેત સંઘ પહોંચ્યા અને ત્યાં સ્ટાલિન પાસે તેમણે ભારતીય સ્વતંત્ર સંગ્રામમાં મદદ માગી પણ ત્યાંથી નન્નો ભણાયો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1943માં સિંગાપોર પહોંચી આઝાદ હિંદ ફોજનું સુકાન તેમણે હાથમાં લીધું. તેમને જાપાનનો ટેકો મળ્યો પણ 23 ઑગસ્ટ 1945ના રોજ તેઓ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાહોવાના સમાચાર મળ્યા.

 

1982નો માર્ચ મહિનો અડધો પસાર થયો હતો. મધરાત થઇ હતી અને વ્હિલચેર પર એક વૃદ્ધને બેસાડી કેટલાક વિદ્યાર્થીઓ તે સમયના ફૈઝાબાદનાં (અત્યારે અયોધ્યા) રામભવનમાં પ્રવેશ્યા. લગભગ એક મહીના સુધી તેમનો સામાન પણ આવતો રહ્યો. છ મહીનામાં ચર્ચાઓ થવા માંડી કે આ વૃદ્ધ કદાચ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ છે. અઢી વર્ષ સુધી તેઓ ત્યાં રહ્યા પણ કોઇને ય તેમના ચહેરાની પુરતી ઝલક જોવા ન મળી. નેપાળનાં રાજવી પરિવારના ગુરુનાં સંબંધી સરસ્વતી દેવી તેમના નજીકનાં ઓરડામાં રહેતા હતા અને તેમણે આ વૃદ્ધને જોયા હતા. કહેવાય છે કે વર્ષે બે વાર કોલકાતાથી વિશેષ સદસ્યોની ટીમ અહીં આવતી , એક વાર 23 જાન્યુઆરીએ અને બીજી વખત દુર્ગા પૂજા દરમિયાન!

16 ડિસેમ્બર 1985ની રાત્રે આ ગુમાનામી બાબાનું મૃત્યુ થયું અને 28મી ડિસેમ્બરનાં દિવસે તેમની સગી ભત્રીજી લલિતા બોઝે રામ ભવનનાં સ્વામી શક્તિ સિંહની મુલાકાત લીધી. ભત્રીજી લલીતાએ ગુમનામી બાબાનાં ઓરડાનું તાળું ખોલ્યું જેમાં દિવાલ પર કાળી માંની છબી હતી. પાસે એક પેટીમાં જુના કાગળો, રોલેક્સની ઘડિયાળ, ગોળ ફ્રેમનાં ચશ્મા, પાર્કર પેન, ઇંગ્લેન્ડનું ટાઇપરાઇટર મુકેલા હતાં.
આ કાગળોમાં એક કાગળ આઝાદ હિંદ ફૌજની ગુપ્તચર શાખાનાં પ્રમુખ ડૉ.પવિત્ર મોહન રાયનો હતો. કોર્ટ કેસ પછી આ ચીજો સમાલત સ્થળે રાખવાનો હુકમ થયો. 2760 વસ્તુઓમાંથી 425 ચીજો રામકથા સંગ્રાહલયમાં મુકાઇ છે જો કે હજી સુધી જાહેર જનતાના નિહાળવા માટે આ સ્થળ ખુલ્લું નથી મુકાયું.
ગાંધી બાપુએ સુભાષ ચંદ્ર વિષે અમેરિકી પત્રકાર લુઇ ફિશરને કહ્યું હતું કે તેઓ દેશ ભક્તોનાં ય દેશભક્ત છે. એમ કહેવાય છે કે ગાંધીજી માનતા હતા કે જો નેતાજી હોત તો સ્વતંત્રતા ટાણે ભારતનાં ભાગલા ન થયા હોત.

(આ લેખમાંની કેટલીક બાબતો સુભાષ બાબુનાં પ્રપૌત્ર ચંદ્રકુમાર બોઝ સાથેની વાતચીત પર આધારિત છે.)

subhash chandra bose mahatma gandhi happy birthday india