દિલ્હી સ્ટેશન પર ૧૮ જણના જીવ લેનારું કારણ આખરે જાહેર થયું

03 August, 2025 11:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મહાકુંભ વખતે નાસભાગની સ્થિતિ એક પ્રવાસીના માથા પરથી સામાન પડી જવાને કારણે સર્જાઈ હતી

નવી દિલ્હી રેલવે-સ્ટેશને થયેલી નાસભાગની દુર્ઘટના

ફેબ્રુઆરીમાં મહાકુંભમાં જવા માટે નવી દિલ્હી રેલવે-સ્ટેશને થયેલી નાસભાગની દુર્ઘટના એક મુસાફરના માથા પરથી મોટો સામાન પડી જવાને કારણે સર્જાઈ હતી. તપાસ-સમિતિનો અહેવાલ ટાંકીને રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે શુક્રવારે સંસદમાં આ વિશે જણાવ્યું હતું. આ દુર્ઘટનામાં ચાર બાળકો અને ૧૧ મહિલાઓ સહિત ૧૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

શું હતી ઘટના?

પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમ્યાન પ્લૅટફૉર્મ નંબર ૧૪ અને ૧૫ને જોડતી સીડી પર સાંજે ૯.૩૦ વાગ્યાની આસપાસ ભીડ દરમ્યાન ભાગદોડ મચી હતી, જ્યારે હજારો લોકો બિહાર જતી ટ્રેનો માટે સ્ટેશન પર ભેગા થયા હતા. એક મુસાફરના માથા પરથી મોટી બૅગ પડી ગઈ હતી  એથી પ્લૅટફૉર્મ ૧૪ અને ૧૫ની સીડી પર ધસારો થયો હતો જેને કારણે મુસાફરો ફસાઈ ગયા હતા. લોકોની ભીડમાં નીચે પડ્યા બાદ દબાઈ ગયેલા લોકોએ શ્વાસ રૂંધાઈ જવાથી જીવ ગુમાવ્યા હતા. ભીડ-મૅનેજમેન્ટ માટે પૂરતા પ્રોટોકૉલ હોવા છતાં ૮.૧૫ વાગ્યા પછી ફુટ ઓવરબ્રિજ પર મુસાફરોની સંખ્યા ધીમે-ધીમે વધતી ગઈ હતી.

new delhi indian railways parliament mumbai transport news national news indian government railway protection force