સન્ડે ડબલ ટ્રબલ

20 June, 2022 08:48 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

સ્પાઇસજેટના એક પ્લેનને ગઈ કાલે ટેક-ઑફ કર્યા બાદ તરત પટના પાછા ફરવાની ફરજ પડી હતી, આ જ ઍરલાઇનની દિલ્હીથી જબલપુર જતી ફ્લાઇટને પણ ટેક-ઑફ બાદ તરત પાછા ફરવાની ફરજ પડી હતી

પટના ઍરપોર્ટ પર ગઈ કાલે ઇમર્જન્સી લૅન્ડિંગ કરનારું સ્પાઇસજેટનું પ્લેન

ઇસજેટના એક પ્લેનને ગઈ કાલે ટેક-ઑફ કર્યા બાદ તરત પટના પાછા ફરવાની ફરજ પડી હતી. સ્થાનિક લોકો અને પાઇલટની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિક લોકોએ આ પ્લેનમાં આગ લાગી હોવાની ઍરપોર્ટ ઑથોરિટી અને જિલ્લા વહીવટી તંત્રને જાણ કરી હતી.

પટના ઍરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ તરત દિલ્હી જતી આ ફ્લાઇટમાં આગ લાગી હતી. થોડી મિનિટ હવામાં રહ્યા બાદ પટના ઍરપોર્ટ પર વિમાને ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું હતું. તમામ ૧૮૫ મુસાફરો સેફ છે. આ ફ્લાઇટે બપોરે ૧૨.૧૦ વાગ્યે ઉડાન ભરી હતી.

પટનાના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ ચન્દ્રશેખર સિંહે કહ્યું હતું કે ‘ટેક-ઑફ કર્યા પછી તરત પ્લેનમાં આગ લાગી હતી. ફૂલવારી શરીફ વિસ્તારના લોકોએ એ નોટિસ કર્યું હતું અને તરત જ જિલ્લા વહીવટી તંત્ર અને ઍરપોર્ટ ઑથોરિટીને એની જાણ કરી હતી.’  

કેટલાક પૅસેન્જર્સે જણાવ્યું હતું કે અમે ટેક-ઑફ પછી તરત આંચકા અનુભવ્યા હતા અને લાઇટ ઑન-ઑફ થતી હતી. સ્પાઇસજેટના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘૧૯ જૂને સ્પાઇસજેટ બી૭૩૭-૮૦૦ વિમાન પટનાથી દિલ્હી જઈ રહ્યું હતું. ટેક-ઑફ વખતે કૉકપિટ ક્રૂને પહેલાં એન્જિન સાથે પક્ષી ટકરાયું હોવાની શંકા થઈ હતી. સાવધાની માટે કૅપ્ટને અસરગ્રસ્ત એન્જિનને બંધ કરીને પટના પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. આ પ્લેને સુરક્ષિત રીતે પટનામાં લૅન્ડ કર્યું હતું અને મુસાફરોને સુરક્ષિત રીતે પ્લેનમાંથી બહાર લઈ જવાયા હતા. ફ્લાઇટ પછીના ઇન્સ્પેક્શનમાં જોવા મળ્યું હતું કે પક્ષી ટકરાવાને કારણે ત્રણ ફૅન બ્લૅડ ડૅમેજ થઈ ગઈ હતી.’

સ્પાઇસજેટના સ્ટેટમેન્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ પ્લેન ૨૩૦૦ ફુટની ઊંચાઈ પર હતું ત્યારે ડાબી બાજુના એન્જિન સાથે પક્ષી ટકરાયું હતું.

ગઈ કાલે વાસ્તવમાં સ્પાઇસજેટની ફ્લાઇટને લઈને બીજી આવી દુર્ઘટના ટળી હતી. દિલ્હીથી જબલપુર જતી ફ્લાઇટને પણ ટેક-ઑફ બાદ તરત પાછી ફરવાની ફરજ પડી હતી. દિલ્હી-જબલપુર ફ્લાઇટ સ્પાઇસજેટ ક્યુ૪૦૦ના ક્રૂએ ઑબ્ઝર્વ કર્યું હતું કે એક ચોક્કસ ઊંચાઈએ પહોંચવાની સાથે કૅબિન પ્રેશર ડિફરન્શિયલમાં વધારો થઈ રહ્યો નથી. કૅબિન પ્રેશર ડિફરન્શિયલ એટલે કે ઍરક્રાફ્ટની બહાર અને કૅબિનની અંદરના પ્રેશર વચ્ચેનો ફરક. આ સમસ્યાને કારણે આ ફ્લાઇટને પાછી વાળીને દિલ્હીમાં સુર​ક્ષિત લૅન્ડ કરવામાં આવી હતી.  

national news patna new delhi jabalpur spicejet