શું કૉન્ગ્રેસ પ્રેસિડેન્ટના પદ પરથી રાજીનામું આપશે સોનિયા ગાંધી? જાણો

23 August, 2020 06:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

શું કૉન્ગ્રેસ પ્રેસિડેન્ટના પદ પરથી રાજીનામું આપશે સોનિયા ગાંધી? જાણો

સોનિયા ગાંધી

સોમવારે કૉન્ગ્રેસ વર્કિંગ કમિટી (Congress Working Committee)ની મીટિંગ છે, એવામાં રાહુલ ગાંધી (Rahul Gandhi)ને પાર્ટીનો પ્રેસિડેન્ટ બનાવવામાં આવશે, એવી સંભાવના છે. જોકે આ મીટિંગ પહેલા અલગ-અલગ વાતો સાંભળવા મળી રહી છે.

એવામાં કૉન્ગ્રેસના હાલના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ નવા પ્રેસિડેન્ટની નિમણૂક કરવાની વાત કરી છે. એવી વાતો છે કે સોનિયા ગાંધી પક્ષના અધ્યક્ષ પદેથી રાજીનામું આપશે.

સૂત્રોએ કહ્યું કે, સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે તે હવે કૉન્ગ્રેસ અધ્યક્ષ રહેવા માગતી નથી. 2019માં લોકસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપતા સોનિયા ગાંધીને વચગાળાની અધ્યક્ષ બનાવવામાં આવી હતી.

સોમવારની મીટિંગમાં નવા વચગાળાના અધ્યક્ષની નિમણૂક થશે એવી વાતો છે. કારણ કે પાર્ટીના નવા અધ્યક્ષની કૉન્ગ્રેસની આંતરીક ચૂંટણી પછી જ થઈ શકે છે. સોમવારની મીટિંગમાં રાહુલ ગાંધી જ વચગાળાના અધ્યક્ષ બને તેવા સંકેતો છે. છેલ્લા ઘણા સમયથી કૉન્ગ્રેસના નેતાઓની માગ છે કે રાહુલ ગાંધી જ ફરી આ પદ સ્વિકારે.

તાજેતરમાં કૉન્ગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, કૉન્ગ્રેસના 100 ટકા કાર્યકરોની એવી ભાવના છે કે રાહુલ ગાંધી ફરી પાર્ટીનું નેતૃત્વ કરે. આ બાબતે કૉન્ગ્રેસના 300થી વધુ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. આમાં અમૂક ભૂતપૂર્વ પ્રધાનો અને વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પક્ષમાં અને નેતૃત્વમાં ફેરફાર કરવા માટે જણાવ્યું છે.

કૉન્ગ્રેસ નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે કહ્યું હતું કે, એનડીએની સફળતા પાછળનું કારણ તેની સામે એક મજબૂત વિપક્ષનો અભાવ છે. ગાંધી પરિવાર આ ભૂમિકા માટે ફીટ છે. બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મળ્યા બાદ દેશના વિકાસમાં તેમનું યોગદાન વધુ છે.

જોકે રાહુલ ગાંધીએ મીડિયામાં અને સંસદમાં પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે કૉન્ગ્રેસના અધ્યક્ષ બનવા માગતા નથી.

rahul gandhi sonia gandhi congress national news