સોનમ વાંગચુકને સરકાર પાસેથી મળ્યા ત્રણ લેખિત આશ્વાસન, સ્વીકારાઈ આ માંગણીઓ

24 July, 2026 10:28 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Sonam Wangchuk ends hunger strike: સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે સરકાર તરફથી લેખિત આશ્વાસન મળ્યા બાદ ૨૬ દિવસની ભૂખ હડતાળનો અંત કર્યો છે; સરકારે નીટ પેપર લીક અને પરીક્ષા પદ્ધતિ અંગે લેખિતમાં શું-શું ખાતરી આપી છે તે જાણી લઈએ

ભૂખ હડતાળનો અંત કર્યા પછી સોનમ વાંગચુકે હૉસ્પિટલમાંથી વીડિયો સંદેશ આપ્યો

નીટ પેપર લીક (NEET Paper Leak Row) મામલે દેશભરના યુવાનોમાં વ્યાપેલો આક્રોશ અને રાજકીય પક્ષોના સતત પ્રદર્શનો વચ્ચે ભારત સરકાર (Indian Government) એકશન મોડમાં આવી ગઈ છે. ગુરુવારે સવારથી લઈને મોડી રાત સુધી સરકારે અસંખ્ય મોટા નિર્ણયો લીધા અને અનેક જાહેરાતો કરી હતી. આ ઘટનાક્રમ વચ્ચે, સામાજિક કાર્યકર સોનમ વાંગચુક (Sonam Wangchuk)એ પોતાના અનશનના ૨૬મા દિવસે મોડી રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યે પારણાં કરીને પોતાના અનશનનો અંત આણ્યો હતો.

સોનમ વાંગચુકે માહિતી (Sonam Wangchuk ends hunger strike) આપી હતી કે, કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા (J. P. Nadda), જિતેન્દ્ર સિંહ (Jitendra Singh) અને લદ્દાખ (Ladakh)ની એપેક્સ બોડીના ટોચના નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા. આ અગાઉ વિવિધ રાજકીય પક્ષોના અંદાજે ૬૫ સાંસદોએ એક પત્ર પર હસ્તાક્ષર કરીને સોનમ વાંગચુકને અનશન સમાપ્ત કરવા વિનંતી કરી હતી. સાંસદો અને મંત્રીઓએ તેમને આશ્વાસન આપ્યું હતું કે નીટ (NEET Exam) પેપર લીક અને દેશની પરીક્ષા પદ્ધતિના મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવામાં આવશે.

બે દિવસની વાટાઘાટો અને લેખિત આશ્વાસન

સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી સરકાર અને તેમની વચ્ચે વાટાઘાટો ચાલી રહી હતી. તેઓ સરકાર પાસેથી લેખિતમાં ખાતરી માંગતા હતા, જેના કારણે તેમને બે દિવસ વધારાના અનશન પર બેસવું પડ્યું હતું. અંતે, સરકારે તેમની માંગણીઓ પર લેખિત આશ્વાસન આપી દીધું, જેના પછી તેમણે અનશન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

સરકાર દ્વારા સ્વીકારાયેલી ત્રણ મુખ્ય લેખિત શરતો

સોનમ વાંગચુકના જણાવ્યા અનુસાર, સરકારે લેખિતમાં નીચે મુજબની માંગણીઓ સ્વીકારી છે:

વિદ્યાર્થીઓ પર કાનૂની કાર્યવાહી નહીં થાય:

જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા અથવા ૨૦ જુલાઈના રોજ `સંસદ ચલો` માર્ચમાં સામેલ થયેલા વિદ્યાર્થીઓ અને યુવાનો સામે કોઈ પણ કાનૂની કાર્યવાહી કે એફઆઈઆર (FIR) નોંધવામાં આવશે નહીં.

પીડિત પરિવારોને વળતર:

પેપર લીકની ઘટનાને કારણે જીવ ગુમાવનારા ૨૦ થી વધુ બાળકોના પરિવારોને સરકાર યોગ્ય વળતર આપશે.

સંસદમાં સંપૂર્ણ ચર્ચા થશે:

દેશની સંસદમાં આ સમગ્ર મુદ્દા, પરીક્ષા પદ્ધતિમાં સુધારા અને શિક્ષણ ક્ષેત્રે સરકારની જવાબદેહી નક્કી કરવા પર વિગતવાર ચર્ચા થશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.

શિક્ષણ પ્રધાનના રાજીનામા અંગે વાંગચુકે શું કહ્યું?

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના રાજીનામાના મુદ્દે સોનમ વાંગચુકે કહ્યું કે, સરકાર આ અંગે કોઈ આશ્વાસન આપી શકી નથી કે રાજીનામું ક્યારે થશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની પાસે બે જ રસ્તા હતા- એક તો તેઓ સપ્તાહો સુધી ભૂખ હડતાળ ચાલુ રાખે જેનાથી તેમનો જીવ જઈ શકતો હતો, અથવા અનશન સમાપ્ત કરે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા ૨-૩ અઠવાડિયાથી હજારો લોકો તેમને કહી રહ્યા હતા કે આ લડતને આગળ વધારવા માટે તેમનું જીવંત રહેવું જરૂરી છે.

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ન આપવું સરકાર માટે નુકસાનકારક

સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ન આપવું એ સરકાર માટે પોતે જ નુકસાનકારક છે. જો તેઓ રાજીનામું આપી દેત તો સરકારનું નુકસાન અટકી જાત. સોનમ વાંગચુકે ઉમેર્યું કે તેમના માટે સૌથી મહત્વની બાબત એ હતી કે નિર્દોષ બાળકો પર કોઈ કેસ નોંધાય નહીં, કારણ કે તેમણે લદ્દાખમાં જોયું છે કે કેવી રીતે એફઆઈઆર બાળકોનું ભવિષ્ય બગાડી દે છે. અંતમાં, સોનમ વાંગચુકે માંગણીઓ પૂરી થવા પર ખુશી વ્યક્ત કરી હતી અને આ આંદોલનને સમર્થન આપવા બદલ તમામ દેશવાસીઓનો આભાર માન્યો હતો.

Sonam Wangchuk neet exam Education indian government jp nadda national news news