13 June, 2025 07:01 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ઇન્દોરમાં રાજા રઘુવંશીનાં મમ્મીને ભેટીને રડતો સોનમનો ભાઈ ગોવિંદ. ત્યાર પછી તેણે મીડિયા સાથે વાત કરી હતી.
રાજા રઘુવંશી હત્યાકેસમાં હવે સોનમના પરિવારે તેની સાથેના સંબંધો તોડી નાખ્યા છે અને જો સોનમ દોષિત હોય તો તેને ફાંસી આપવામાં આવે એવી સજાની માગણી કરી છે. સોનમના ભાઈ ગોવિંદે કહ્યું હતું કે ‘અમને શરમ આવે છે, તેણે જે કર્યું છે એ અક્ષમ્ય છે. અમારો ટેકો હવે સંપૂર્ણપણે રાજાના પરિવાર સાથે છે.’
ઇન્દોરમાં રાજાના ઘરે પત્રકારોને સંબોધતાં ગોવિંદે કહ્યું હતું કે તેની બહેન છેલ્લાં ત્રણ વર્ષથી આ કેસના સહઆરોપી રાજ કુશવાહાને રાખડી બાંધતી હતી. રાજ કુશવાહાને સોનમ સાથે લાંબા સમયથી સંબંધ હતો. બાકીના બધા આરોપીઓ પણ તેની સાથે જોડાયેલા છે. પુરાવાના આધારે મને ૧૦૦ ટકા ખાતરી છે કે સોનમે જ આ હત્યા કરી છે. જો તે દોષિત હોય તો તેને ફાંસી આપવી જોઈએ.
બુધવારે ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી ઇન્દોર પરત ફર્યા બાદ સોનમ રઘુવંશીનો ભાઈ ગોવિંદ રાજાના પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યો હતો. તે રાજાની મમ્મીનાં ચરણસ્પર્શ કરીને રડવા લાગ્યો હતો. તેણે રઘુવંશી પરિવારની માફી પણ માગી હતી. ગોવિંદે કહ્યું હતું કે ‘રાજા મને ખૂબ જ પ્રિય હતો. સોનમે જે પણ પ્લાનિંગ કર્યું હતું એની મને મીડિયા દ્વારા ખબર પડી છે. મેં રાજાની માતાની માફી માગી છે. જો સોનમ દોષિત હોય તો તેને કડક સજા થવી જોઈએ.’