માતાની હત્યા કરનાર પુત્રે અન્ય કેદીઓની કસ્ટડીમાં ઊંઘ ઉડાડી

15 March, 2023 11:51 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

મોબાઇલ પર પબ્જી રમતો હોય એ રીતે હાથ હલાવતો હોવાથી તેમ જ વિકૃત હોવાથી તેમના પર પણ હુમલો કરશે એવા ડરથી તેઓ રાતે સૂતા પણ નહોતા

વિરાર પોલીસે વક્રતુંડ અપાર્ટમેન્ટમાં રહેતી માતાની હત્યા કરનાર આરોપી દીકરાની ધરપકડ કરી હતી (તસવીર: મહેશ ગોહિલ)

વિરારમાં એક દીકરો તેની સગી માતાનું ગળું દબાવીને હત્યા કર્યા પછી તેના મૃતદેહ પાસે દાંત ઘસતો વિકૃત અવસ્થામાં બેસેલો જોવા મળ્યો હતો. આ કૃત્ય બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને કેસની તપાસ કરવા વિરાર પોલીસની કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. જોકે તેની વિકૃત પ્રવૃત્તિઓ જોતાં પોલીસ-કસ્ટડીમાં રહેલા અન્ય સાત આરોપીઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી. પોતાની સગી માતાની હત્યા કરનાર ૨૬ વર્ષનો દીકરો આરોપી દેવાંશ ધનુ પોલીસ-કસ્ટડીમાં પણ મોબાઇલ પર પબ્જી રમતો હોય એ રીતે હાથ હલાવતો હોવાથી અન્ય કેદીઓ ડરી ગયા હતા તેમ જ આરોપી વિકૃત હોવાથી તેમના પર પણ હુમલો કરશે એવા ડરથી અન્ય કેદીઓ રાતે સૂતા પણ નહોતા.

વિરાર-ઈસ્ટના ફૂલપાડાના ગાંધીનગર વિસ્તારમાં આવેલા વક્રતુંડ અપાર્ટમેન્ટમાં ૪૪ વર્ષની વૈશાલી ધનુ તેના દીકરા દેવાંશ સાથે રહેતી હતી. આરોપી ૧૨મું ધોરણ ભણેલો છે અને એક મોબાઇલ શૉપમાં કામ પણ કરતો હતો. તે મોબાઇલ પર અતિશય ગેમ રમતો હોવાથી તેની મમ્મી તેના પર ગુસ્સે થતી રહેતી હતી. તે માનસિક રીતે થોડો અસ્થિર હતો અને તેની માતા 
સાથે નાની-નાની વાતો પર સતત ઝઘડો કરતો રહેતો હતો. માતા સાથે તેનો ઝઘડો થતાં તેણે માતાનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. જોકે એ બાદ તે માતાના મૃતદેહ પાસે દાંત ઘસતો બેઠો હતો અને તેને કોઈ પ્રકારનો અફસોસ થયો નહોતો.

દેવાંશને પબ્જી ગેમની લત થઈ ગઈ હતી. તેણે પોતાની માતાનો ત્યારે જીવ લીધો જ્યારે માતાએ તેના મોબાઇલ ફોન પર આ ગેમ રમવા સામે વાંધો ઉઠાવ્યો હતો. વિરાર પોલીસે તેની ધરપકડ કરી હતી અને પોલીસ-કસ્ટડીમાં રાખ્યો હતો. તે જે સેલમાં હતો ત્યાં અન્ય સાત કેદીઓ પણ હતા, પરંતુ દેવાંશને વિકૃત પ્રવૃત્તિઓ કરતો જોઈને અન્ય આરોપીઓ ખૂબ ડરી ગયા હતા. જ્યારે કસ્ટડીમાં હતો ત્યારે દેવાંશ જોરજોરથી ગીતો ગાતો હતો, તાળીઓ પાડતો હતો. હાથમાં મોબાઇલ વગર પણ પબ્જી રમી રહ્યો હતો અને રમતી વખતે જેમ હાથ ઉપર-નીચે થાય એમ તે પણ હાથ હલાવતો હતો. તેની આ ઘેલછાથી અન્ય આરોપીઓને ડરાવી દીધા હતા. એક જ સેલમાં હોવાથી અમે સૂઈ જઈશું તો તે અમારા પર પણ હુમલો કરશે એ ડરે અન્ય આરોપીઓ ડરી 
ગયા હતા. ડરને કારણે આખી રાત કોઈ ઊંઘ્યું નહોતું. વિરાર પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સેલના અન્ય આરોપીઓ તેને બીજી બાજુ બહાર રાખવા અથવા તેને બહાર લઈ જવા વિનંતી કરી રહ્યા હતા. તે જુડિશ્યલ કસ્ટડીમાં જતાં અન્ય આરોપીઓએ મોકળો શ્વાસ લીધો હતો. 

ગેમના ક્રેઝે વિકૃત બનાવ્યો?
વિરાર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આરોપી દેવાંશ પબ્જી ગેમનો વ્યસની હતો અને તે દિવસ-રાત રમતો હતો એટલે તેના સ્વભાવ પર અસર થતાં તે વિકૃત વર્તન કરતો હતો. તેનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયું હતું, પરંતુ કોર્ટના આદેશ વિના આવા આરોપીઓને અલગથી રાખી શકાતા ન હોવાથી તેને અન્ય આરોપીઓ સાથે રાખવો પડ્યો હતો. આરોપી દેવાંશ ધુનની પોલીસ-કસ્ટડી પૂરી થતાં તેને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તે કસ્ટડીમાં બેસીને પણ મોબાઇલ વગર જ ગેમ રમતો હતો.’

mumbai mumbai news virar Crime News mumbai crime news preeti khuman-thakur