05 September, 2025 08:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લૉરેન્સ વૉન્ગ વચ્ચે બેઠક યોજાઈ હતી.
સિંગાપોરના વડા પ્રધાન લૉરેન્સ વૉન્ગ ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. ગઈ કાલે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને અનેક મુદ્દે ચર્ચા કરી હતી. આ બેઠકમાં બન્ને દેશો વચ્ચે વેપાર વધારવા અને સંબંધને વધુ મજબૂત કરવા માટેની પહેલ સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
બેઠક પછી જાહેર કરવામાં આવેલી જાણકારી પ્રમાણે બન્ને દેશો ડિફેન્સ ક્ષેત્રમાં પણ પરસ્પર સહયોગ વધારવાના છે. ભારત અને સિંગાપોર વચ્ચેનો વેપાર બે દાયકામાં ૬.૭ બિલ્યન ડૉલરથી અનેકગણો વધીને ૩૫ બિલ્યન ડૉલર પહોંચી ગયો છે. બન્ને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન માટે પણ વધુ પ્રયાસ કરવામાં આવશે. બન્ને દેશ સાથે મળીને ભારતમાં સેમીકન્ડક્ટર ઇકો-સિસ્ટમનું નિર્માણ કરવા માટેની યોજના પર કામ કરી રહ્યા છે અને એની શરૂઆત ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સિંગાપોરની મુલાકાતથી જ થઈ હતી. ગ્રીન ઍન્ડ ડિજિટલ શિપિંગ કૉરિડોરના નિર્માણ માટે પણ બન્ને દેશ વચ્ચે સમજૂતી-કરાર થયા હતા. અત્યાર સુધી ઇસરોએ સિંગાપોરના ૧૮ ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કર્યા છે. સ્પેસ સેક્ટરમાં બન્ને દેશના સહયોગને વધુ મજબૂત કરવામાં આવશે.
આ પરિણામ આવ્યું સિંગાપોરના વડા પ્રધાનની ભારત-મુલાકાતનું
ભારત અને સિંગાપોર વચ્ચે કુલ પાંચ નવા સમજૂતી-કરાર થયા
બન્ને દેશો ડિફેન્સ સેક્ટરમાં ભાગીદારી કરશે
ભારતમાં સેમીકન્ડક્ટર ઇકો-સિસ્ટમના નિર્માણ માટે સિંગાપોર મદદ કરશે
ગ્રીન ઍન્ડ ડિજિટલ શિપિંગ કૉરિડોરથી દરિયાઈ ઉદ્યોગને પ્રકૃતિને અનુકૂળ તેમ જ વધુ લાભદાયી બનાવવાનો પ્રયાસ થશે
સ્પેસ સેક્ટરમાં સ્ટાર્ટઅપ માટે બન્ને દેશ સહયોગ કરશે
સિવિલ એવિયેશનના ક્ષેત્રમાં ટ્રેઇનિંગ પૂરી પાડવા માટે પણ બન્ને દેશ સહયોગ કરશે
આતંકવાદ સામેની લડાઈમાં સમર્થન બદલ સિંગાપોરનો આભાર : નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરના વડા પ્રધાન લૉરેન્સ વૉન્ગ સાથેની મુલાકાત પછી સંયુક્ત રીતે પ્રેસ સંબોધન કર્યું હતું. એમાં તેમણે કહ્યું હતું કે આતંકવાદ બાબતે આપણી ચિંતા સમાન છે. આતંકવાદ સામેની લડાઈમાં ભારતના સમર્થન બદલ હું સિંગાપોર સરકાર અને વડા પ્રધાન લૉરેન્સ વૉન્ગનો આભાર માનું છું. સિંગાપોર સાઉથ ઈસ્ટ એશિયામાં ભારતનો સૌથી મોટો ટ્રેડ-પાર્ટનર છે. આ વર્ષે ભારત-સિંગાપોર સંબંધનાં ૬૦ વર્ષ પણ પૂરાં થયાં છે.