શું ભારતે પાકિસ્તાનને કાશ્મીર આપી દેવાનો નિર્ણય લઈ લેવો જોઈએ?

22 June, 2022 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશમાં સ્ટેટ સર્વિસિસ પ્રિલિમિનરી એક્ઝામિનેશનની જનરલ ઍપ્ટિટ્યુટ ટેસ્ટમાં આ સવાલ પુછાતાં ખૂબ વિવાદ થયો

જમ્મુ કાશ્મીર

ભોપાલ ઃ મધ્ય પ્રદેશમાં સ્ટેટ સર્વિસિસ પ્રિલિમિનરી એક્ઝામિનેશનના જનરલ ઍપ્ટિટ્યુટ ટેસ્ટમાં કાશ્મીર વિશે પૂછવામાં આવેલા એક સવાલને લઈને ખૂબ જ હંગામો મચ્યો છે, જેના પગલે મધ્ય પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને ગઈ કાલે એક પેપર સેટર અને આ એક્ઝામ પેપરની સમીક્ષા કરવાની જેની જવાબદારી હતી એ વ્યક્તિને બ્લૅકલિસ્ટ કરી દીધા છે. આ એક્ઝામ રવિવારે લેવામાં આવી હતી.  
અધિકારીઓ અનુસાર આ પેપરમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું ભારતે પાકિસ્તાનને કાશ્મીર આપી દેવાનો નિર્ણય લઈ લેવો જોઈએ? આ સવાલની સાથે બે તર્ક આપવામાં આવ્યા હતા. પહેલા તર્કમાં જણાવાયું હતું કે હા, એનાથી ભારતનું ખૂબ ધન બચશે, જ્યારે બીજા તર્કમાં જણાવાયું હતું કે ના, આવા નિર્ણયથી આ પ્રકારની બીજી માગણીઓ પણ વધી જશે.’
આ બે તર્કમાંથી કયો તર્ક મજબૂત છે એની ઉમેદવારોએ પસંદગી કરવાની હતી. એની સાથે બીજા બે ઑપ્શન્સ આપવામાં આવ્યા હતા કે ‘બન્ને તર્ક સ્ટ્રૉન્ગ છે’ કે ‘બન્ને તર્ક નબળા છે.’
વિવાદ વધતાં મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે ‘મધ્ય પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશને બે અધિકારીઓને બ્લૅકલિસ્ટ કરી દીધા છે કે જેમાંથી એક મધ્ય પ્રદેશ જ્યારે બીજો મહારાષ્ટ્રનો હતો. તેઓ બન્ને આ પેપર સેટ કરવાની પ્રક્રિયામાં સામેલ હતા. આ સવાલ વાંધાજનક હતો અને આ બન્નેની સામે ઍક્શન લેવા માટે મધ્ય પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન અને ઉચ્ચ શિક્ષણ વિભાગને એક લેટર લખવામાં આવ્યો છે.’

jammu and kashmir madhya pradesh