શરદ પવારનો ઈશારો, શું ગોવામાં કોંગ્રેસ અને તૃણમૂલનું થશે ગઠબંધન..? જાણો વિગત

11 January, 2022 06:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર(Sharad Pawar) એ મંગળવારે કહ્યું કે તેમની પાર્ટી આગામી ગોવા વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન માટે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સાથે વાતચીત કરી રહી છે.

શરદ પવાર (ફાઈલ ફોટો)

 

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવાર(Sharad Pawar) એ મંગળવારે કહ્યું કે તેમની પાર્ટી આગામી ગોવા વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન માટે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સાથે વાતચીત કરી રહી છે. તેમણે કહ્યું કે આ અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 

શરદ પવારે વધુમાં કહ્યું કે ગોવામાં પરિવર્તનની જરૂર છે અને ભાજપ સરકારને બદલવાની જરૂર છે. તૃણમૂલ, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ચર્ચાઓ થઈ રહી છે. અમે સીટો અંગે અમારી પસંદગી આપી છે. આ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં આવશે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે.

એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું, `અમે ગોવામાં સાથે આવવાની વાત કરી છે અને ચર્ચા ચાલી રહી છે. હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ગોવામાં પરિવર્તનની જરૂર છે અને ભાજપ સરકાર બદલવાની જરૂર છે.` પવારે કહ્યું કે યુપીમાં અમે સપા અને નાના પક્ષો સાથે ચર્ચા કર્યા પછી કેટલીક સીટો પર ચૂંટણી લડીશું. 

ચૂંટણી પર વધારે વાત કરતાં પવારે કહ્યું, `હું અને અખિલેશ યાદવ યુપીમાં સાથે મળીને પ્રચાર કરીશું.` આ દરમિયાન આજે યુપીથી રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ સિરાજ મહેંદી NCPમાં જોડાયા હતા. જો કે, કોંગ્રેસે એ વાતને નકારી કાઢી છે કે તે ગોવામાં ગઠબંધન માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી (NCP) સાથે વાતચીત કરી રહી છે. 

કોંગ્રેસના નેતા આર. ગુંડુરાવે ગઈ કાલે કહ્યું હતું કે, તૃણમૂલ સાથે કોઈ ગઠબંધન કે ચર્ચા નથી. તૃણમૂલના પ્રયાસો છતાં, કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે ગોવામાં સમગ્ર TMCનો અભિગમ અને પ્રયાસો, પ્રથમ દિવસથી નકારાત્મક રહ્યા છે, જેનો હેતુ ભાજપને બદલે કોંગ્રેસને નિશાન બનાવવાનો છે. ગુંડુરાવે કહ્યું હતું કે, `તેઓએ અમારા ધારાસભ્યોને ખરીદ્યા અને હવે તેઓ તેમને સીટો આપવા માટે ગઠબંધન ઈચ્છે છે.`

national news sharad pawar nationalist congress party trinamool congress