હવે અજમેર શરીફ દરગાહમાં મંદિર હોવાનો દાવો, સુરક્ષામાં વધારો

27 May, 2022 12:39 PM IST  |  Ajmer | Gujarati Mid-day Online Correspondent

અજમેરની દરગાહ સંબંધિત આ નવા દાવા બાદ અજમેર જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે

તસવીર સૌજન્ય: ચિરંતના ભટ્ટ

દેશભરમાં ધાર્મિક સ્થળો પર ચાલી રહેલા વિવાદ વચ્ચે અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહમાં શિવાલય હોવાનો દાવો હવે ચર્ચામાં છે. એક હિન્દુ સંગઠને દરગાહની જગ્યાને મંદિર હોવાનો દાવો કરીને ચિશ્તી દરગાહના સર્વેની માગ કરી છે. આ માટે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને પણ પત્ર લખવામાં આવ્યો છે, જેના કારણે હવે અજમેરની આ પ્રખ્યાત દરગાહની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

વહીવટીતંત્ર એલર્ટ

અજમેરની દરગાહ સંબંધિત આ નવા દાવા બાદ અજમેર જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે. દરગાહની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ પણ દરગાહની મુલાકાત લઈ રહ્યા છે. દરગાહની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળો તહેનાત કરવામાં આવ્યા છે. ગુરુવારે, અજમેરના SDM સિટી ભાવના ગર્ગે પણ દરગાહની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

હકીકતમાં, મહારાણા પ્રતાપ સેના નામના સંગઠને દરગાહને બદલે મંદિર હોવાનો આ મોટો દાવો કર્યો છે. તમને જણાવી દઈએ કે અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર માત્ર મુસ્લિમો જ નહીં, પરંતુ હિન્દુઓ પણ માથું ટેકવે છે. અહીં દૂર-દૂરથી લોકો ચાદર ચઢાવવા આવે છે, પરંતુ આ સંગઠને દરગાહને લઈને મંદિર-મસ્જિદનો વિવાદ પણ ઉઠાવ્યો છે અને હવે સર્વેની માગણી કરી છે.

અંજુમન કમિટીએ હિન્દુ સંગઠનના આ દાવા સામે વાંધો ઉઠાવ્યો છે. અંજુમન કમિટીના સેક્રેટરી વાહિદ અંગારાએ કહ્યું કે સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ માટે કંઈપણ ખોટું સહન કરવામાં આવશે નહીં. જો કોઈ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

national news ajmer