અભિનેત્રી અમરીન ભટની હત્યામાં સંડોવાયેલા આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા

27 May, 2022 04:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આતંકવાદીઓએ બુધવારે એક મહિલા ટીવી કલાકારની ગોળી મારીને હત્યા કરી હતી

પ્રતીકાત્મક તસવીર

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબા (લેટ)ના બે આતંકવાદીઓને ઘેરી લીધા છે. આ આતંકવાદીઓએ બુધવારે એક મહિલા ટીવી કલાકારની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસ મહાનિરીક્ષક (કાશ્મીર ઝોન) વિજય કુમારે ટ્વીટ કર્યું કે “સ્વર્ગસ્થ કલાકાર અમરીન ભટના બંને હત્યારાઓને અવંતીપોરામાં સુરક્ષા દળો દ્વારા ઘેરી લેવામાં આવ્યા છે. અમે આ મામલે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.”

તમને જણાવી દઈએ કે અમરીન ભટ કાશ્મીરના ટીવી અને સોશિયલ મીડિયા કલાકાર હતી, જેની બુધવારે બડગામના ચદૂરામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં તેનો 10 વર્ષનો ભત્રીજો પણ ઘાયલ થયો હતો. અગાઉ, પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું કે “પુલવામા જિલ્લાના અવંતીપોરાના અગન હાંજીપુરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.” પોલીસના જણાવ્યા અનુસાર, હજુ સુધી બંને તરફ કોઈ જાનહાનિ થઈ નથી.

તમને જણાવી દઈએ કે “જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સતત લોકોને પોતાની ગોળીઓથી નિશાન બનાવી રહ્યા છે. અમરીનને બુધવારે રાત્રે 8 વાગ્યે બડગામના હિશરૂ વિસ્તારમાં આતંકવાદીઓએ ગોળી મારી હતી. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન TRF એ અમરીનની હત્યાની જવાબદારી લીધી હતી. અમરીનને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

અમરીનની હત્યા બાદ પોલીસે શું કહ્યું?

પોલીસે જણાવ્યું હતું કે “આ ઘટનામાં અભિનેત્રી ફરહાન ઝુબેરનો 10 વર્ષીય ભત્રીજો પણ ઘાયલ થયો છે. ઘટના સમયે તે ઘરે હતો અને તેના હાથમાં ગોળી વાગી હતી.” પોલીસે કહ્યું હતું કે “પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરના ત્રણ આતંકવાદીઓ આ ગુનામાં સામેલ છે. જોકે, ઘટના બાદ તરત જ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. હવે જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને કહ્યું છે કે તેમણે અમરીનની હત્યામાં સામેલ બે આતંકવાદીઓને ઘેરી લીધા છે.”

national news jammu and kashmir