કાશ્મીરમાં ૨૬/૧૧ જેવા હુમલાનો પર્દાફાશ, G20ના કાર્યક્રમમાં ફેરફાર

22 May, 2023 11:42 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં તાજ હોટેલ પર જે રીતે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને લોકોને બંધક બનાવ્યા હતા એ જ રીતે અહીં આતંકવાદીઓનો ઇરાદો હોટેલમાં પ્રવેશીને ત્યાં હાજર રહેલા વિદેશીઓ સહિતના લોકોને ટાર્ગેટ કરવાનો હતો

શ્રીનગરમાં ગઈ કાલે G20 સમિટ પહેલાં દલ લેકના કાંઠે પૅટ્રોલિંગ કરી રહેલા સુરક્ષા દળોના જવાનો.

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ સુરક્ષાના કારણોસર G20 ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની કૉન્ફરન્સના કાર્યક્રમમાં છેલ્લી મિનિટે ફેરફાર કર્યો હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આ ચેન્જ માટે કારણ આપવામાં આવ્યું છે કે પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી આઇએસઆઇના કહેવાથી ગુલમર્ગમાં G20 દરમ્યાન મુંબઈના ૨૬/૧૧ જેવા હુમલાનું આતંકવાદી સંગઠનોએ કાવતરું રચ્યું હોવાની સુરક્ષા દળોને શંકા છે. G20 વેન્યુની આસપાસ સિક્યૉરિટી વધારવામાં આવી છે. દરમ્યાન કાશ્મીર પોલીસે કાશ્મીરમાં G20ની મીટિંગ વિશે ખોટી અફવાઓ ફેલાવવા માટે કરવામાં આવતા શંકાસ્પદ ઇન્ટરનૅશનલ મોબાઇલ નંબર્સથી સાવધ રહેવા જણાવ્યું છે. 

સામાન્ય લોકોની વચ્ચે રહીને આતંકવાદી સંગઠનો માટે કામ કરતી એક વ્યક્તિની અટકાયત કરવામાં આવ્યા બાદ તેણે જે ખુલાસા કર્યા એના આધારે કાર્યક્રમમાં છેલ્લી મિનિટે ફેરફાર કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ એક પૉશ હોટેલમાં કામ કરતી હતી. સુરક્ષા દળોએ ફારુક અહમદ વાનીની ધરપકડ કરી છે. વાની ગુલમર્ગમાં એક ફેમસ ફાઇવસ્ટાર હોટેલમાં ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. તે આતંકવાદી સંગઠનો માટે કામ કરતો હતો અને તે સરહદ-પાર આઇએસઆઇના અધિકારીઓની સાથે સીધા સંપર્કમાં પણ હતો. 

પૂછપરછ દરમ્યાન વાનીએ જણાવ્યું હતું કે મુંબઈમાં તાજ હોટેલ પર જે રીતે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને લોકોને બંધક બનાવ્યા હતા એ જ રીતે અહીં આતંકવાદીઓનો ઇરાદો હોટેલમાં પ્રવેશીને ત્યાં હાજર રહેલા વિદેશીઓ સહિતના લોકોને ટાર્ગેટ કરવાનો હતો. આતંકવાદીઓ કાશ્મીરમાં G20 સમિટ દરમ્યાન એકસાથે બેથી ત્રણ સ્થળે હુમલો કરવા માટે તૈયારી કરી રહ્યા હતા. સોર્સિસ અનુસાર એટલા માટે જ સમગ્ર કાશ્મીરમાં, ખાસ કરીને શ્રીનગરમાં સીસીટીવી અને ડ્રોન્સ દ્વારા તમામ મૂવમેન્ટ્સ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. 

જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીની ધરપકડ

પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. તે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની મૂવમેન્ટ વિશેની સીક્રેટ માહિતી આતંકવાદી સંગઠનોને પૂરી પાડતો હતો. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગઈ કાલે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ હુમલા માટે સરહદ-પારનાં આતંકતવાદી સંગઠનો દ્વારા રચવામાં આવેલા કાવતરાને નિષ્ફળ બનાવવા માટે પાર પાડવામાં આવેલા એક ઑપરેશન દરમ્યાન ઉત્તર કાશ્મીરના કુપવાડાના મોહમ્મદ ઉબેદ મલિકની ધરપકડ કરવામાં આવી છે.

national news g20 summit srinagar kashmir jammu and kashmir isi pakistan indian army