કૌભાંડ પે કૌભાંડઃલક્ષ્મી વિલાસ બૅન્ક ઉપર ૮૦૦ કરોડના ગોટાળાની શંકા

29 September, 2019 09:41 AM IST  |  નવી દિલ્હી

કૌભાંડ પે કૌભાંડઃલક્ષ્મી વિલાસ બૅન્ક ઉપર ૮૦૦ કરોડના ગોટાળાની શંકા

પ્રતિકાત્મક તસ્વીર

લક્ષ્મી વિલાસ બૅન્ક ઉપર ૮૦૦ કરોડ રૂપિયાના ગોટાળાની શંકા થઈ રહી છે. દિલ્હી પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગે બૅન્ક વિરુદ્ધ એફઆઇઆર પણ નોંધાવ્યો છે. ફાઇનૅન્શિયલ સર્વિસિસ કંપની રેલિગેર ફિનવેસ્ટ (આરએફએલ)એ બૅન્ક પર છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. બૅન્કે આરએફએલની ફરિયાદના આધારે જ એફઆઇઆર નોંધાવ્યો છે. આરએફએલે બૅન્ક પર અકીલા ૭૯૦ કરોડની છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. ફરિયાદમાં કહેવાયું છે કે આ કેસમાં એવું લાગે છે કે આરએફએલના ફન્ડની યોજનાબદ્ધ પદ્ધતિથી હેરાફેરી કરવામાં આવી છે અને એના કેન્દ્રમાં લક્ષ્મી વિલાસ બૅન્ક છે.
માહિતી અનુસાર આરએફએલે લક્ષ્મી વિલાસ બૅન્કમાં ૭૯૦ કરોડ રૂપિયાની એફડી કરાવી હતી અને આ રકમ પર જ કહેવાતી હેરાફેરી થઈ હતી. પોલીસે બૅન્કના ડિરેક્ટર્સ વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી અને ષડ્‍યંત્ર રચવાનો કેસ નોંધાવ્યો છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે બૅન્કના કેટલા ડિરેક્ટર્સ સામે કેસ નોંધાયો છે.

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

આરએફએલે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જને પણ આ માહિતી મોકલી છે. કંપનીએ કહ્યું છે કે બૅન્કના આ પગલાથી એની નાણાકીય પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. કંપનીની બૅલૅન્સશીટ પર પણ એની અસર થઈ છે. જ્યારે બીજી તરફ આ આરોપ પછી બૅન્કના શૅર પર પણ ખરાબ અસર થઈ છે. બૅન્કના શૅરમાં ગઈ કાલે પાંચ ટકા ઘટાડો નોંધાયો હતો. લક્ષ્મી વિલાસ બૅન્કે આ આરોપો પર પલટવાર કરતાં આરએફએલ પર આક્ષેપ કર્યા છે. બૅન્કે કહ્યું છે કે એ તપાસ એજન્સીઓ અને નિયામક અધિકારીઓને સહકાર આપવા પ્રતિબદ્ધ છે. આરએફએલ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે અને અમારી વિરુદ્ધ ષડ્‍યંત્ર રચી રહી છે.

national news