બિલ્કિસ બાનોના દોષીઓની મુશ્કેલીમાં વધારો

23 March, 2023 11:12 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેમની સજામાફીની અરજી સામેની સુનાવણી માટે સ્પેશ્યલ બેન્ચની રચના કરવા સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

બિલ્કિસ બાનો

સુપ્રીમ કોર્ટ બિલ્કિસ બાનો ગૅન્ગરેપ કેસમાં ૧૧ દોષીઓની સજામાફી સામેની અરજીની સુનાવણી માટે સ્પેશ્યલ બેન્ચની રચના કરશે, જેમણે ૨૦૦૨માં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો દરમ્યાન તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાળાની બેન્ચે બિલ્કિસ બાનો તરફથી હાજર રહેલાં વકીલ શોભા ગુપ્તાને ખાતરી આપી હતી કે એક બેન્ચની સ્થાપના કરશે. આ અગાઉ બિલ્કિસ બાનોની અરજીની સુનાવણી ૨૪ જાન્યુઆરીએ હાથ ધરવામાં આવી શકી નહોતી. બિલ્કિસ બાનોએ ૨૦૨૨ની ૩૦ નવેમ્બરે રાજ્ય સરકાર દ્વારા ૧૧ દોષીઓને વહેલા મુક્ત કરવાના નિર્ણયને પડકારતી અરજીમાં કહ્યું હતું કે આ ઘટનાએ સમાજના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. ​બિલ્કિસ બાનો કેસમાં ગુજરાત સરકારે ૧૧ દોષીઓને માફી આપી હતી, જે વિશે બાનોએ કહ્યું હતું કે ‘સામૂહિક રીતે આ રીતે માફી આપી શકાય નહીં. વળી દરેક દોષીઓના કેસની વ્યક્તિગત રીતે તેમની ભૂમિકાના આધારે તપાસ કર્યા વિના રાહત માગી અથવા આપી શકાય નહીં. આ સમાચાર જાણી બિલ્કિસ અને તેની પુખ્ત વયની ​પુત્રીઓને આઘાત લાગ્યો હતો. દેશ જ્યારે સ્વતંત્રતાના ૭૬મા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે તમામ દોષીઓને છોડી દેવામાં આવ્યા હતા. તેમને હાર પહેરાવવામાં આવ્યા હતા. જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું અને મીઠાઈ વહેંચવામાં આવી હતી.’

ગોધરા ટ્રેન સળગાવ્યાની ઘટના બાદ ફાટી નીકળેલાં રમખાણો દરમ્યાન ભાગતી વખતે બિલ્કિસ બાનો ૨૧ વર્ષની હતી તેમ જ પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો. માર્યા ગયેલામાં તેના પરિવારના સાત સભ્યોમાં ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે. આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રાયલ મહારાષ્ટ્રની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. કોર્ટે ૨૦૦૮માં ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. ગુજરાત સરકારે માફીની નીતિ અંતર્ગત આ દોષીઓએ ૧૫ વર્ષની સજા પૂરી કરતાં તેમની મુક્તિને મંજૂરી આપી હતી.

national news new delhi supreme court sexual crime gujarat riots