જાતીય શોષણ કરનાર પાદરી સાથે લગ્ન કરવાની પીડિતાની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

03 August, 2021 09:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જસ્ટિસ વિનીત સરન અને દિનેશ મહેશ્વરીની બેન્ચે તમામ પાસાંઓનો અભ્યાસ કર્યા બાદ કહ્યું હતું

સુપ્રીમ કોર્ટ

ભૂતપૂર્વ કૅથલિક પાદરી રૉબિન વડક્કમચેરીની લગ્ન કરવા માટે વચગાળાના જામીન આપવાની અરજીને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ફગાવી દીધી હતી. પાદરી રૉબિને એક સગીર યુવતી પર બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવી હતી. બળાત્કારી અને પીડિતા છોકરી બન્નેએ સાથે મળીને લગ્ન કરવા માટે કોર્ટની મંજૂરી માગી હતી.

જસ્ટિસ વિનીત સરન અને દિનેશ મહેશ્વરીની બેન્ચે તમામ પાસાંઓનો અભ્યાસ કર્યા બાદ કહ્યું હતું કે હાઈ કોર્ટના ચુકાદામાં મધ્યસ્થી કરવાનું કોઈ કારણ જણાતું નથી. આ અગાઉ પાદરી રૉબિને પણ પીડિતા સાથે લગ્ન કરવા કેરળ હાઈ કોર્ટની પરવાનગી માગી હતી, જેને કોર્ટે નકારી કાઢી હતી.

પાદરી રૉબિન કન્નૂર પાસે પેરિશ વિસર તરીકે ફરજ બજાવતો હતો તેમ જ ચર્ચ દ્વારા ચલાવાતી શાળાનો મૅનેજર હતો જ્યાં પીડિતા અભ્યાસ કરતી હતી. પીડિતા સાથેના દુષ્કર્મની ફરિયાદ ચાઇલ્ડ લાઇન એજન્સી દ્વારા કરવામાં આવી હતી. ૭ ફેબ્રુઆરી, ૨૦૧૭ના સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ પાદરી રૉબિન દબાણ હેઠળ આવ્યો હતો. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૭ના ભારત છોડીને પલાયન થઈ રહેલા પાદરી રૉબિનની કોચી ઍરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી, ૨૦૧૯માં પાદરી રૉબિનને ૨૦ વર્ષની સખત કેદની સજા થઈ હતી.

national news supreme court