સુપ્રીમ કોર્ટનો દિલ્હીના મુખ્ય પ્રધાનને તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર

16 April, 2024 08:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણીની શરૂઆતના ૧૦ દિવસ જેલમાં જ રહેવું પડશે

અરવિંદ કેજરીવાલ

સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર વહેલી સુનાવણીનો ઇનકાર કર્યો હતો. દિલ્હીના લિકર પૉલિસી સ્કૅમ સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા ૨૧ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલની અરજી પર EDને પોતાનો જવાબ આપવા માટે ૨૭ એપ્રિલ સુધીનો સમય આપ્યો છે એટલે હવે દિલ્હી CMને ત્યાં સુધી રાહ જોવી પડશે. કોર્ટ હવે આ મામલે ૨૯ એપ્રિલે સુનાવણી કરશે એટલે કે અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીની શરૂઆતના ૧૦ દિવસ સુધી જેલમાં જ રહેવું પડશે.

કોર્ટમાં AAPના નેતા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેસની વહેલી સુનાવણીની માગણી કરી હતી. જોકે જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે એમ કહીને ઇનકાર કર્યો હતો કે અમે વાજબી તારીખ આપીશું, પણ તમે કહો છો એ તારીખે સુનાવણી નહીં થાય. નોંધનીય છે કે દિલ્હી હાઈ કોર્ટે ગયા અઠવાડિયે કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી હતી. ત્યાર બાદ તેઓ તાત્કાલિક સુનાવણીની આશાએ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા જ્યાં પણ તેમને રાહત મળી નહોતી.

તિહાડ જેલમાં દિલ્હીના CM સાથે મુલાકાત બાદ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું...કેજરીવાલ સાથે આતંકવાદી જેવો વ્યવહાર
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને સોમવારે તિહાડ જેલમાં અરવિંદ કેજરીવાલને મળ્યા બાદ જણાવ્યું હતું કે જેલમાં AAPના સુપ્રીમો સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. ભગવંત માને કહ્યું કે જેલમાં મુલાકાત દરમ્યાન તેમની અને અરવિંદ કેજરીવાલ વચ્ચે કાચની દીવાલ હતી અને તેમણે કનેક્ટિંગ ફોનલાઇન દ્વારા આશરે ૩૦ મિનિટ સુધી વાતચીત કરી હતી. AAPના નેતાએ કહ્યું કે હું અરવિંદ કેજરીવાલને જોઈને ભાવુક થઈ ગયો હતો, તેમની સાથે એક હાર્ડકોર ક્રિમિનલ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેઓ જેલમાં રહીને પણ દિલ્હીના લોકોની ચિંતા કરી રહ્યા છે. ભગવંત માને ઍક્સની એક પોસ્ટમાં જણાવ્યું કે ‘BJPની રાજકીય ટીમ ED કેજરીવાલની વિચારસરણીને કેદ નહીં કરી શકે, કારણ કે માત્ર AAP જ BJPને રોકી શકે છે. વિચારોને ક્યારેય દબાવી ન શકાય.’

arvind kejriwal aam aadmi party national news supreme court