સુપ્રીમનો યોગી પર ટિપ્પણી કરનાર પત્રકારને તાત્કાલિક છોડી મૂકવાનો આદેશ

12 June, 2019 08:13 AM IST  | 

સુપ્રીમનો યોગી પર ટિપ્પણી કરનાર પત્રકારને તાત્કાલિક છોડી મૂકવાનો આદેશ

cm યોગી પર ટિપ્પણી કરનારને છોડવાનો આદેશ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પર વિવાદાસ્પદ ટિપ્પણી લખવા અને વ‌િડિયો શૅર કરવાના મામલામાં પત્રકાર પ્રશાંત કનૌજિયાની ધરપકડ થતાં સુપ્રીમ કોર્ટે તેને છોડી મૂકવાનો આદેશ આપ્યો છે, એટલું જ નહીં, આ કેસમાં સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસને ખખડાવી હતી. સુપ્રીમ કોર્ટે પોલીસની કાર્યવાહી પર પ્રશ્ન ઉઠાવતાં કહ્યું કે આખરે કઈ કલમ અંતર્ગત ધરપકડ કરી છે. કોર્ટે કહ્યું કે કનૌજિયાને તાત્કાલિક છોડી મૂકવામાં આવે, પરંતુ તેમના પર કેસ ચાલતો રહેશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘પ્રશાંત કનૌજિયાએ જે શૅર કર્યું અને લખ્યું એના પર એવું કહી શકાય કે તેમણે આવું કરવું જોઈતું નહોતું, પરંતુ તેમની ધરપકડ કયા આધારે કરાઇ હતી? આખરે એક ટ્વીટ માટે તેની ધરપકડ કરવાની શું જરૂર હતી?’ એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકારની પણ યાદ અપાવી હતી. કોર્ટે કહ્યું કે તેને ઉદારતા દેખાડી ફ્રીલાન્સ જર્નલિસ્ટ કનૌજિયાને છોડી દેવો જોઈએ. કોર્ટે કહ્યું કે ‘લોકોની આઝાદી સંપૂર્ણપણે અક્ષુણ છે અને એની સાથે કોઈ સમજૂતી થાય નહીં. આ સંવિધાન તરફથી આપવામાં આવેલો અધિકાર છે, એનું કોઈ ઉલ્લંઘન કરી શકે નહીં.’

પ્રશાંતની પત્ની જગીતા અરોરાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને ધરપકડને પડકારી હતી. અરજીમાં તેણે કહ્યું છે કે ‘પત્રકાર પર લગાવવામાં આવેલી કલમો જામીનના ગુનામાં આવે છે. આવા કેસમાં કોઈને કસ્ટડીમાં મોકલી શકાય નહીં. અરજી પર તરત સુનાવણીની જરૂર છે, કારણ કે આ ધરપકડ ગેરકાયદે અને અસંવૈધાનિક છે.’

 પત્નીની અરજી પર સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી કરવાની વાત કરી હતી.ઉલ્લેખનીય છે કે પ્રશાંત કનૌજિયાએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને લઈને એક ‌વિડિયો શૅર કર્યો હતો. પોલીસના મતે તેમણે એક વિડિયોને શૅર કરતાં વિવાદાસ્પદ કૅપ્શન લખી હતી.

yogi adityanath national news gujarati mid-day