03 July, 2023 11:11 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તીસ્તા સેતલવાડ
દેશની સર્વોચ્ચ અદાલતમાં બેસીને મહત્ત્વના ચુકાદા દ્વારા દેશ માટે મહત્ત્વપૂર્ણ અનેક બાબતોમાં દશા અને દિશા નિર્ધારિત કરનારા ચીફ જસ્ટિસ સહિતના જસ્ટિસિસના ડેડિકેશનનું વધુ એક ઉદાહરણ શનિવારે રાતે જોવા મળ્યું હતું. નવી દિલ્હીમાં શનિવારે રાતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની દીકરી સુવર્ણા વિશ્વનાથનનો ભરતનાટ્યમ ડાન્સ પર્ફોર્મન્સ હતો.
આ ઇવેન્ટમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચન્દ્રચુડ, સુપ્રીમ કોર્ટના અત્યારના અને ભૂતપૂર્વ જસ્ટિસ, સૉલિસિટર જનરલ તુષાર મહેતા તેમ જ અન્ય અનેક સિનિયર લૉયર્સ ઉપસ્થિત હતા.
લગભગ સાંજે ૬ વાગ્યે ડાન્સ પર્ફોર્મન્સની શરૂઆત થઈ હતી, જેના પહેલા દિવસ દરમ્યાન શું બન્યું હતું એના પર પણ એક નજર કરવી જરૂરી હતી. ગુજરાતમાં ૨૦૦૨માં કોમી રમખાણોને સંબંધિત એક કેસમાં ગુજરાત હાઈ કોર્ટ દ્વારા સોશ્યલ ઍક્ટિવિસ્ટ તીસ્તા સેતલવાડને તાત્કાલિક સરેન્ડર કરવા જણાવાયું હતું. જોકે તીસ્તાને સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. હવે ડાન્સ પર્ફોર્મન્સવાળા હૉલમાં પાછા ફરીએ. અહીં ન્યુઝ આવ્યા કે તીસ્તાએ સુપ્રીમ કોર્ટમાં રાહત માટે અરજી કરી છે અને એને માટે સાંજે સાડાછ વાગ્યે જસ્ટિસ એ. એસ. ઓક અને પ્રશાંત કુમાર મિશ્રા સમક્ષ સ્પેશ્યલ સુનાવણી થવાની હતી.
સૉલિસિટર જનરલ તુષાર મહેતાને આ સુનાવણી વિશે જણાવવામાં આવ્યું હતું અને તેઓ તીસ્તાની અરજી વિરુદ્ધ દલીલ કરવા માટે અને ગુજરાત સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે આ ડાન્સ પર્ફોર્મન્સના હૉલમાંથી તાત્કાલિક રવાના થયા હતા. જોકે સુનાવણી દરમ્યાન બન્ને જજ વચ્ચે મતભેદ થયા હતા, એને કારણે આ મામલો ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચુડને મોકલવામાં આવ્યો હતો.
લગભગ સાંજે સાત વાગ્યે આ વાત ચીફ જસ્ટિસ ચન્દ્રચુડ પાસે પહોંચી હતી. તેઓ આ મુદ્દે ચર્ચા કરવા આ ડાન્સ પર્ફોર્મન્સના હૉલમાંથી બહાર નીકળ્યા હતા. દરમ્યાન સૉલિસિટર જનરલ આ ઇવેન્ટમાં પાછા ફર્યા હતા. એ પછી તરત જ ચીફ જસ્ટિસ ચન્દ્રચુડ ફરી ઑડિટોરિયમમાંથી બહાર જતા જોવા મળ્યા હતા અને ૧૦ મિનિટ પછી તેઓ પાછા ફર્યા હતા. આ ડાન્સ પર્ફોર્મન્સ સમાપ્ત થયા બાદ ચીફ જસ્ટિસ ચન્દ્રચુડે જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ એ. એસ. બોપન્નાને આ કેસ વિશે જણાવ્યું હતું. ત્યાર બાદ જસ્ટિસ બી. આર. ગવઈ, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ રાતે સવાનવ વાગ્યે સુનાવણી કરી હતી. રાતે દસ વાગ્યે અદાલતે તીસ્તાને ધરપકડથી ટેમ્પરરી પ્રોટેક્શન પૂરું પાડ્યું હતું.