✕

મેરઠ બ્લૂ ડ્રમ કેસ: આરોપી મુસ્કાન અને સાહિલ દોષિત જાહેર, 15 દિવસમાં સજા નક્કી...

30 September, 2026 07:28 PM IST  |  Meerut | Gujarati Mid-day Online Correspondent

સરકારી પક્ષ (પ્રોસિક્યુશન) અનુસાર, સૌરભની હત્યા ૩ માર્ચ, ૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી. હત્યા બાદ તેના મૃતદેહના ટુકડા કરી ડ્રમમાં ભરી દેવામાં આવ્યા હતા. બન્ને આરોપીઓની લગભગ ૧૫ દિવસ બાદ ધરપકડ કરવામાં આવી હતી.

મુસ્કાન અને સાહિલ શુક્લા

મેરઠમાં સૌરભ રાજપૂત હત્યા કેસ જે બ્લૂ ડ્રમ કેસ તરીકે જાણીતો થયો હતો તેમાં, બુધવારે જિલ્લા અદાલતે મુસ્કાન અને તેના કથિત પ્રેમી સાહિલ શુક્લાને હત્યા માટે દોષિત ઠેરવ્યા હતા. અદાલતે કહ્યું કે બન્નેએ સૌરભની હત્યાનું કાવતરું રચ્યું હતું, ત્યારબાદ તેના મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા અને અવશેષોને બ્લૂ રંગના ડ્રમમાં છુપાવી દીધા હતા. હવે બન્નેને ૧૫ દિવસમાં સજા થશે; અદાલત ૧૪ ઑક્ટોબરે સજાની સંભળાવે તેવી અપેક્ષા છે. ચુકાદો સંભળાવતી વખતે જિલ્લા ન્યાયાધીશ અરવિંદ મિશ્રાએ કહ્યું, "પુરાવાઓના આધારે એ સાબિત થયું છે કે તમે બન્નેએ સૌરભની હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને વાદળી ડ્રમમાં ભરી દેવામાં આવ્યો હતો. તેથી, તમે બન્ને સૌરભ હત્યા કેસમાં દોષિત છો. જોકે, ૧૫ દિવસમાં સજાની જાહેરાત થાય તે પહેલાં અમે તમને તમારો પક્ષ રજૂ કરવાની તક આપીશું."

૧૨૬ સુનાવણીઓ બાદ ચુકાદો સંભળાવવામાં આવ્યો

સરકારી પક્ષ (પ્રોસિક્યુશન) અનુસાર, સૌરભની હત્યા ૩ માર્ચ, ૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી. હત્યા બાદ તેના મૃતદેહના ટુકડા કરી ડ્રમમાં ભરી દેવામાં આવ્યા હતા. બન્ને આરોપીઓની લગભગ ૧૫ દિવસ બાદ ધરપકડ કરવામાં આવી હતી. જુલાઈ ૨૦૨૫માં જિલ્લા ન્યાયાધીશની અદાલતમાં ટ્રાયલ શરૂ થઈ હતી. પોલીસે લગભગ ૧,૦૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ૧૨૬ સુનાવણીઓ દરમિયાન ૨૨થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. અદાલતે ૧૯ સપ્ટેમ્બરે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ચુકાદા પહેલાં બન્ને આરોપીઓ જેલમાં બેચેન હોવાનું જાણવા મળ્યું હતું. જેલ અધિક્ષક ડૉ. વિરેશ રાજ શર્માના જણાવ્યા અનુસાર, મુસ્કાન છેલ્લા ત્રણ દિવસથી પ્રાર્થના અને પૂજા-અર્ચનામાં વધુ સમય વિતાવી રહી હતી; તે અગાઉ ધ્યાન, સુંદરકાંડના પાઠ અને ભજનમાં વ્યસ્ત રહેતી હતી અને તાજેતરમાં તેણે ભગવાન શિવની પૂજા કરવાનું પણ શરૂ કર્યું હતું. બીજી તરફ, સાહિલે અન્ય કેદીઓ સાથેની વાતચીત ઘટાડી દીધી હતી અને મુખ્યત્વે જેલના કર્મચારીઓ સાથે જ વાતચીત કરવાનું મર્યાદિત રાખ્યું હતું.

પરિવાર દ્વારા મૃત્યુદંડની માગણી

ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે સૌરભની માતા રેણુ દેવી, તેનો ભાઈ રાહુલ અને અન્ય પરિવાર અદાલતમાં હાજર હતો. સૌરભના ભાઈ રાહુલના જણાવ્યા અનુસાર, "અમે ઈચ્છતા હતા કે સજાની જાહેરાત આજે જ કરવામાં આવે. હવે કહેવામાં આવ્યું છે કે સજા સંભળાવવાની પ્રક્રિયા ૧૫ દિવસમાં થશે. અમે ૩૦ સપ્ટેમ્બરની રાહ જોઈ રહ્યા હતા અને આજે સંપૂર્ણ ચુકાદાની અપેક્ષા હતી, પરંતુ હવે અમારે વધુ ૧૫ દિવસ રાહ જોવી પડશે. અમારી માગ છે કે તે બન્નેને ફાંસીની સજા આપવામાં આવે. મારા ભાઈની જે રીતે હત્યા કરવામાં આવી છે, તેને જોતા તેનાથી ઓછી કોઈ પણ સજા સ્વીકાર્ય નથી. જો ફાંસી કરતાં પણ વધુ કઠોર સજા હોય, તો તે આપવામાં આવવી જોઈએ." સૌરભના માતા રેણુએ કહ્યું, "અમે ઈચ્છીએ છીએ કે તે બન્નેને ફાંસી આપવામાં આવે. જો ફાંસી કરતાં વધુ કઠોર સજા હોય, તો તે આપવામાં આવે. અમે લગભગ દોઢ વર્ષથી કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છીએ. અમે ઘણી વખત સાક્ષી આપવા પણ ગયા હતા. અમને આશા છે કે બન્ને દોષિત ઠરશે અને તેમને સજા થશે." સરકારી વકીલ વિજય બહાદુર સિંહે જણાવ્યું હતું કે બન્ને આરોપીઓને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ કંઈ કહેવા માગે છે, જેના જવાબમાં બન્નેએ કહ્યું કે તેમની પાસે કહેવા માટે કંઈ નથી.

murder case meerut national news uttar pradesh Crime News