23 May, 2025 11:40 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
એસ. જયશંકર
બાવીસમી એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં ઑપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓનાં ઠેકાણાં નષ્ટ કર્યાં હતાં. ત્યાર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવ વધી ગયો હતો. આ મુદ્દે ભારતીય વિદેશપ્રધાન એસ. જયશંકરે સ્પષ્ટ કર્યું છે કે ‘ભારત અને પાકિસ્તાન સીધી વાતચીત દ્વારા યુદ્ધવિરામ પર સંમત થયાં છે. ઑપરેશન સિંદૂર દરમ્યાન ઘણા અન્ય દેશો પણ ભારતનો સંપર્ક કરી રહ્યા હતા.’
ખાસ વાત એ છે કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો છે.
જયશંકરે નેધરલૅન્ડ્સમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન આ મુદ્દા પર ખૂલીને વાત કરી હતી. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતે અમેરિકા સહિત દરેક દેશને કહ્યું છે કે જો પાકિસ્તાન યુદ્ધવિરામ ઇચ્છે છે તો એણે ભારત સાથે સીધી વાત કરવી પડશે.