ભારત-રશિયાનો સહયોગ અમેરિકા સહિત કોઈ પણ દેશની વિરુદ્ધમાં નથી

06 December, 2025 09:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમેરિકા ખુદ અમારી પાસેથી યુરેનિયમ ખરીદે છે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે તો એને શાની પરેશાની છે એવો સવાલ કરીને પુતિને કહ્યું...

બિઝનેસ ફોરમમાં પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં વ્લાદિમીર પુતિન અને નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્ય અને એના પર વૉશિંગ્ટનની પ્રતિક્રિયા વિશેના સવાલના જવાબમાં કહ્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેનો વધતો સહયોગ અમેરિકા સહિત કોઈ પણ ત્રીજા દેશની વિરુદ્ધ નથી.

ભારતની મુલાકાત પહેલાં ક્રેમલિનમાં એક ભારતીય ટીવી-ચૅનલને આપેલી મુલાકાતમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ભારત અને રશિયાએ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફ-સંચાલિત નીતિઓને કેવી રીતે હૅન્ડલ કરવી જોઈએ જેની ભારત પર પણ અસર પડી છે. ત્યારે પુતિને જણાવ્યું હતું કે ‘તેઓ પોતાની નીતિ અપનાવે છે અને તેમની પાસે સલાહકારો છે. તેમના નિર્ણયો હવામાં લેવામાં આવતા નથી. તેમની પાસે એવા સલાહકારો છે જે માને છે કે વેપાર-ભાગીદારો પર વધારાની ડ્યુટી લાદવામાં આવે તો એ આખરે અમેરિકાના અર્થતંત્રને ફાયદો પહોંચાડે છે. હું માનું છું કે તેઓ પોતાના વિશ્વાસથી આ કાર્ય કરી રહ્યા છે.’

પુતિને કહ્યું હતું કે ‘રશિયા આવી પ્રથાઓનું પાલન કરતું નથી. અમારા નિષ્ણાતો માને છે કે એમાં જોખમ સામેલ છે. જોકે કઈ આર્થિક નીતિ અપનાવવી એ નક્કી કરવાનું દરેક દેશ અને એના નેતૃત્વની પસંદગી છે. અમે ક્યારેય આવી પ્રથાઓમાં જોડાયા નથી, અત્યારે પણ નથી કરતા અને ભવિષ્યમાં પણ આવું કરવાનો કોઈ ઇરાદો નથી. અમારી અર્થવ્યવસ્થા ખુલ્લી છે. અમને આશા છે કે અંતે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (WTO)ના નિયમોનાં તમામ ઉલ્લંઘનોને સુધારવામાં આવશે.’

‘મેક ઇન ઇન્ડિયા, મેક વિથ રશિયા’ જેવી ભારત-રશિયા પહેલ પર પ્રેસિડન્ટ ટ્રમ્પ કેવી પ્રતિક્રિયા આપી શકે છે એ વિશે પૂછવામાં આવતાં પુતિને ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આ ભાગીદારી કોઈ પણ રાષ્ટ્ર વિરુદ્ધ નથી. તમે જાણો છો કે હું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાંક બાહ્ય દબાણોનો સામનો કરવા છતાં ક્યારેય કોઈની વિરુદ્ધ કામ કરવા માટે અમારા સહયોગનો સંપર્ક કર્યો નથી. પ્રેસિડન્ટ ટ્રમ્પનો પોતાનો એજન્ડા છે અને પોતાનાં ધ્યેયો છે; જ્યારે અમે અમારા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, કોઈની વિરુદ્ધ નહીં, પરંતુ અમારા સંબંધિત હિતોનું રક્ષણ કરવાનો હેતુ છે. અમારા વ્યવહારમાં અમે બીજાઓને નુકસાન પહોંચાડતા નથી અને મારું માનવું છે કે અન્ય દેશોના નેતાઓએ આની પ્રશંસા કરવી જોઈએ.’

ગઈ કાલે પુતિને રાષ્ટ્રપતિભવનમાં આયોજિત ફોટોસેશનમાં ભાગ લીધો હતો

ભારત રશિયન તેલ ખરીદે છે એનાથી ‘યુદ્ધને ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે’ એવા ટ્રમ્પના નિવેદન વિશે પૂછવામાં આવતાં પુતિને અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પ વિશે કોઈ પણ વ્યક્તિગત કમેન્ટ કરવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે ‘તમે જાણો છો કે જેમની સાથે મેં ભૂતકાળમાં કામ કર્યું છે તેમના વિશે કે વ્યક્તિગત દેશોના વર્તમાન નેતાઓ વિશે હું ક્યારેય મારા સાથીદારો વિશે ચારિત્ર્ય-મૂલ્યાંકન કરતો નથી. આ મૂલ્યાંકન એ નાગરિકો દ્વારા થવું જોઈએ જેઓ ચૂંટણી દરમ્યાન તેમના નેતાને મત આપે છે.’

ટ્રમ્પ દ્વારા ભારતની ઊર્જા આયાતની ટીકાને સંબોધતાં પુતિને ભાર મૂક્યો કે અમેરિકા પોતે રશિયન પરમાણુ-સામગ્રી ખરીદતું રહે છે. તેમણે કહ્યું હતું કે ‘ભારત દ્વારા રશિયા પાસેથી ઊર્જા સંસાધનોની ખરીદીની વાત કરીએ તો હું કહેવા માગું છું અને આનો ઉલ્લેખ પહેલાં પણ જાહેરમાં કર્યો છે કે અમેરિકા પોતે હજી પણ પોતાના પરમાણુ પાવરપ્લાન્ટ માટે અમારી પાસેથી પરમાણુ-બળતણ ખરીદે છે. આ અમેરિકામાં કાર્યરત રીઍક્ટર માટે યુરેનિયમની ખરીદીની વાત છે. જો અમેરિકાને પોતાનું બળતણ ખરીદવાનો અધિકાર છે તો ભારતને પણ આ જ વિશેષાધિકાર કેમ ન મળવો જોઈએ? આ પ્રશ્નની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને અમે પ્રેસિડન્ટ ટ્રમ્પ સહિત એની ચર્ચા કરવા તૈયાર છીએ.’

vladimir putin russia narendra modi india national news news