કૃષિ કાયદા પરનો સમિતિનો અહેવાલ સુપ્રીમને સુપરત

01 April, 2021 12:31 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સમિતિમાં ચાર સભ્યોનો સમાવેશ થાય છે

ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી કૃષિ અર્થશાસ્ત્રીઓની ત્રણ સભ્યોની સમિતિએ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પરનો તેનો અહેવાલ સીલબંધ કવરમાં સુપ્રીમને સુપરત કર્યો છે.

સમિતિમાં ચાર સભ્યોનો સમાવેશ થાય છે: ઑલ ઇન્ડિયા કિસાન કો-ઑર્ડિનેશન કમિટી અને ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રમુખ ભૂપિન્દર સિંહ માન, ઇન્ટરનૅશનલ ફૂડ પૉલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સાઉથ એશિયાના ડિરેક્ટર કૃષિકીય અર્થશાસ્ત્રી ડૉ. પ્રમોદ કુમાર જોશી, કમિશન ફૉર ઍગ્રિકલ્ચરલ કોસ્ટ્સ ઍન્ડ પ્રાઇસિસના ભૂતપૂર્વ ચૅરમૅન અને કૃષિકીય અર્થશાસ્ત્રી અશોક ગુલાટી તથા શેતકરી સંઘટનાના પ્રમુખ અનિલ ઘનવત. માનેએ આ સમિતિમાંથી પાછળથી રાજીનામું આપ્યું હતું.

સમિતિએ મોટાં અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેર નોટિસ થકી સામાન્ય જનતાનાં અભિપ્રાયો અને સૂચનો પણ મેળવ્યાં હતાં. આ મામલાની સુનાવણી હોળી વેકેશન બાદ અદાલત ફરી ખૂલશે ત્યારે પાંચમી એપ્રિલ બાદ હાથ ધરાશે એવી અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે સમિતિએ એપીએમસીના અધિકારીઓ ઉપરાંત ઘણાં કૃષિ સંગઠનો સાથે વાત કરી હતી.

national news supreme court