06 January, 2026 01:32 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આપણે દરરોજ કરન્સી નોટની લેવડદેવડ કરીએ છીએ, પણ બહુ ઓછા લોકોને ખબર હશે કે એ નોટ શેની બનેલી છે. ભાગ્યે જ એવો વિચાર આવ્યો હશે કે આ નોટ માત્ર કાગળની બનેલી છે કે બીજા કોઈ મટીરિયલની? તાજેતરમાં આ સવાલે સોશ્યલ મીડિયા પર પણ સારીએવી ચર્ચા જગાવી હતી. આ સવાલનો સાચો જવાબ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) પાસેથી જ મળે એ તો સ્વાભાવિક છે.
RBIની માહિતી પ્રમાણે કરન્સી નોટ કાગળની નહીં પણ કૉટન ફાઇબરની બનેલી હોય છે. આ નોટો ૧૦૦ ટકા કપાસના રેસામાંથી તૈયાર કરવામાં આવે છે. એનું કારણ કપાસનું ટકાઉપણું છે જે લાંબા સમયથી સુધી નોટને સારી રાખી શકે છે.
હવે સવાલ થાય કે કપાસ જ કેમ? કારણ કે કપાસ વધુ મજબૂત હોય છે અને સરળતાથી ફાટતું નથી. વારંવાર ફોલ્ડ કરવાથી, ભીની થવાથી કે રોજના ઘસારાથી પણ કપાસની નોટ જલદી ખરાબ નથી થઈ જતી. બીજી મહત્ત્વની વાત છે સિક્યૉરિટી. નકલી કરન્સીનો મુકાબલો કરવા સિક્યૉરિટી માટે કરન્સીમાં જે વસ્તુઓ ઉમેરવી પડે એ કાગળમાં શક્ય નથી. કપાસમાં એ સરળતાથી થઈ શકે છે.
સિલ્વર થ્રેડ : નોટમાંથી ચાંદીની એક રેખા પસાર થતી હોય છે.
વૉટરમાર્ક : નોટને લાઇટ સામે રાખવામાં આવે ત્યારે દેખાતું ચિત્ર, આકૃતિ અને ડિઝાઇન.
માઇક્રો-લેટરિંગ : RBI અથવા નોટની કિંમત એટલા નાના અક્ષરોમાં લખેલી હોય કે એ ફક્ત મૅગ્નિફાઇંગ ગ્લાસથી વાંચી શકાય. આવાં બીજાં પણ કેટલાંક યુનિક સિક્યૉરિટી સિમ્બૉલ્સ કરન્સી નોટમાં હોય છે, જેનાથી ડુપ્લિકેટ નોટ બનાવવી મુશ્કેલ બને છે અને લોકો અસલી નોટને સરળતાથી તપાસી પણ શકે છે.