રામમંદિરમાં આજે ૧૯ કલાક સુધી દર્શન ભોગ ધરાવતી વખતે માત્ર પાંચ મિનિટ દર્શન બંધ

17 April, 2024 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રસ્ટના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પણ લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન કરવા આવનારા ભક્તો સાથે મોબાઇલ અથવા મૂલ્યવાન ચીજવસ્તુઓ લઈને ન આવે એમ પણ જણાવવામાં આવ્યું છે.

રામનવમી નિમિત્તે અયોધ્યાના નવનિર્મિત રામમંદિરને ભવ્ય રોશની કરવામાં આવી હતી.

રામનવમીના પ્રસંગે અયોધ્યામાં રામમંદિર આજે ૧૯ કલાક ખુલ્લું રહેશે એમ શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસે એક નિવેદનમાં જણાવ્યું છે. મંદિરમાં વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં ૩.૩૦ વાગ્યાથી ભાવિકો માટે લાઇનસર દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક ભાવિકે એક જ માર્ગથી જવાનું રહેશે. દર્શનનો સમય ૧૯ કલાક કરી દેવામાં આવ્યો છે. સવારે મંગલા આરતીથી રાત્રે ૧૧ વાગ્યા સુધી દર્શન કરી શકાશે. દિવસમાં ચાર વખત ભોગ ધરાવવામાં આવશે ત્યારે માત્ર પાંચ મિનિટ માટે મંદિરમાં પડદો કરવામાં આવશે.

આજે આવનારા ભાવિકો માટે શ્રી ન્યાસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ૧૬થી ૧૮ એપ્રિલ સુધી તમામ પ્રકારના પાસ, આરતી દર્શન વગેરેનું બુકિંગ પહેલેથી જ રદ કરી દેવામાં આવ્યું છે. ટ્રસ્ટે તમામ મહાનુભાવોને દર્શન માટે ૧૯ એપ્રિલ બાદ અયોધ્યા આવવાનું આહ્‍વાન કર્યું છે.

ટ્રસ્ટના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પણ લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શન કરવા આવનારા ભક્તો સાથે મોબાઇલ અથવા મૂલ્યવાન ચીજવસ્તુઓ લઈને ન આવે એમ પણ જણાવવામાં આવ્યું છે.

અયોધ્યામાં રામના બાળરૂપની પૂજા

અયોધ્યામાં રામજન્મભૂમિ પર મંદિરમાં રામની બાળરૂપમાં પૂજા થાય છે અને તેથી તેમને રામલલા કહેવામાં આવે છે. બાળરૂપને કારણે તેમની સેવા અને લાડ બાળકોની જેમ થાય છે.
સવારે ચાર વાગ્યે રામલલાને જગાડવામાં આવે છે. એ સમયે પૂજારી કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વિના ધીમે-ધીમે મંદિરમાં પહોંચે છે. પૂજારી લાઇટ પણ કરતા નથી અને ઘંટ પણ વગાડતા નથી. જરાય અવાજ કર્યા વિના દીવો પ્રગટાવીને આરતી કરવામાં આવે છે.

એ પછી ઓરસિયામાં ઘસેલું પવિત્ર ચંદન, કંકુ અને અત્તર લગાવીને લેપ તૈયાર કરવામાં આવે છે. રામલલાની ચલિત પ્રતિમાને ચાંદીની થાળીમાં રાખવામાં આવે છે અને તુલસીની દાંડીથી તેમને દાતણ કરાવવામાં આવે છે. ત્યાર બાદ સરયૂ નદીના જળથી સ્નાન કરાવવામાં આવે છે.

દિવસ મુજબ વસ્ત્રોનો રંગ

રામલલાને દિવસના હિસાબે રંગીન વસ્ત્રો પહેરાવવામાં આવે છે. રવિવારે ગુલાબી, સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલાં, ગુરુવારે પીળાં, શુક્રવારે ક્રીમ અને શનિવારે બ્લુ રંગનાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે. તેમના શ્રૃંગારની માળા અને અત્તર પણ મોસમ અનુસાર બદલાય છે. ગુલાબનું અત્તર દરેક મોસમમાં લગાવવામાં આવે છે. હાલમાં ઉનાળો ચાલી રહ્યો હોવાથી રામલલાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવે છે. જોકે આજે રામનવમીના પ્રસંગે ભગવાનને પીળા રંગનાં વસ્ત્રો જ પહેરાવવામાં આવશે.

આજે અનેક શુભ યોગનો અવસર, ત્રણ ગ્રહોની સ્થિતિ ત્રેતા યુગ સમાન

આજે બપોરે ૧૨ વાગ્યે જ્યારે રામલલા પર સૂર્યતિલક થશે ત્યારે અનેક શુભ યોગ પણ થવાના છે. આજે બપોરે કેદાર, ગજકેસરી, પારિજાત, અમલા શુભ, વાશિ, સરલ, કાહલ અને રવિયોગ બનવાના છે. આવા અનેક શુભ યોગમાં ભગવાનના ભાલ પર સૂર્યતિલક થવાનું છે.

વાલ્મીકિ રામાયણમાં જણાવ્યા અનુસાર ભગવાન રામના જન્મ સમયે સૂર્ય અને શુક્ર એમની ઉચ્ચ રાશિમાં હતા અને ખુદ ચંદ્રમા પણ એમની ખુદની રાશિમાં બિરાજમાન હતા. આ રામનવમીએ પણ આ ત્રણ ગ્રહો એવી જ સ્થિતિમાં છે જે ભગવાન રામના જન્મ સમયે હતા. જ્યોતિષીઓના જણાવવા અનુસાર આ સંયોગ દેશ માટે શુભ સંકેત છે.

રામનવમીની પૂજા માટે અઢી કલાકનું મુરત

આજે રામનવમીના દિવસે રામલલા પર સૂર્યતિલક અભિજિત મુરતમાં થવાનું છે અને ત્રેતા યુગમાં પણ ભગવાનનો જન્મ આ સમયે જ થયો હતો. રામનવમીની પૂજા માટે પણ અઢી કલાકનું મુરત છે જે સવારે ૧૧.૦૫ વાગ્યાથી શરૂ થઈને બપોરે ૧.૩૫ વાગ્યા સુધી છે.

national news ram navami festivals ayodhya ram mandir