હરિવંશની ટી ડિપ્લોમસી ધરણાં પરના સંસદ સભ્યો માટે ચા લઈને પહોંચ્યા

23 September, 2020 11:08 AM IST  |  New Delhi | Agency

હરિવંશની ટી ડિપ્લોમસી ધરણાં પરના સંસદ સભ્યો માટે ચા લઈને પહોંચ્યા

ટી ડિપ્લોમસી નિષ્ફળ : બરતરફ કરવાના કારણે સંસદના પરિસરમાં વિરોધ-પ્રદર્શન પર બેસેલા સંસદસભ્યોને ચાની ઑફર કરતા રાજ્યસભાના ડેપ્યુટી ચૅરમૅન હરિવંશ નારાયણ સિંહ. તસવીર : પી.ટી.આઇ.

રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા આઠ સંસદસભ્યો સંસદ ભવનના બગીચામાં વિરોધ-પ્રદર્શન કરતા હોય ત્યાં એ બધાને માટે ચા લઈને જવાનું નાયબ અધ્યક્ષ હરિવંશનું કાર્ય પ્રશંસાને પાત્ર બન્યું છે. હરિવંશજીના એ કાર્યને રાજ્યસભાના અધ્યક્ષ અને દેશના ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ આપણા ‘ઉત્તમ લોકતાંત્રિક મૂલ્યોના પ્રતિકરૂપ’ અને ‘લોકશાહી માટે શુકનવંતું’ ગણાવ્યું હતું. દરમ્યાન ગઈ કાલે વિપક્ષોએ કૃષિ બિલને પરત લેવાની માગણીના સમર્થનમાં લોકસભાની બેઠકનો બહિષ્કાર કર્યો હતો, જેમાં કૉન્ગ્રેસ, ટીએમસી, ટીઆરસી અને બીએસપીના સાંસદોએ લોકસભામાંથી વૉકઆઉટ કર્યો હતો. ત્યાર બાદ લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ વિપક્ષો સાથે બેઠક પણ કરી હતી.

વેન્કૈયા નાયડુએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘બે દિવસ પહેલાં રાજ્યસભામાં જે બન્યું એ ઘટનાએ દેશની સંસદીય પ્રતિષ્ઠા અને ગરિમાને નુકસાન કર્યું છે, પરંતુ આટલું બધું બન્યા છતાં સંસદ ભવનના બગીચામાં ધરણાં પર બેઠેલા સાંસદો માટે રાજ્યસભાના નાયબ અધ્યક્ષ ચા લઈને ગયા, એવું મને જણાવવામાં આવ્યું હતું. હરિવંશએ જે કર્યું એમાં લોકતાંત્રિક મૂલ્યોની ગરિમા વધે છે.’

રાજ્યસભાના અધ્યક્ષ વેન્કૈયા નાયડુએ રાજ્યસભામાં બેફામ અને અશિસ્તભર્યું વર્તન કરનારા આઠ સભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ એ બધા સંસદ ભવનના બગીચામાં ધરણાં પર બેઠાં હતાં. ગઈ કાલે હરિવંશ તેમને માટે ચા લઈને ગયા ત્યારે તેમની ટી ડિપ્લોમસીને વિપક્ષી સભ્યોએ નકારી હતી. એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવેલા સંસદસભ્યોમાં તૃણમૂલ કૉન્ગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન, આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કૉન્ગ્રેસના રાજીવ સાતવ, રિપુન બોરા અને સૈયદ નાસિર હુસૈન તેમ જ માર્ક્સવાદી પક્ષના કે. કે. રાગેશ તથા એલમારામ કરીમનો સમાવેશ છે.

હરિવંશે કર્યો ૨૪ કલાક ઉપવાસ

રાજ્યસભામાં કૃષિ ખરડા પસાર કરતી વેળા વિરોધ પક્ષોના સભ્યોએ કરેલી ધાંધલને અપમાનજનક વર્તન ગણાવતાં ગૃહના નાયબ અધ્યક્ષ હરિવંશજીએ ૨૪ કલાક ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. આજે હિન્દીના રાષ્ટ્ર કવિ રામધારી સિંહ દિનકરની જન્મ જયંતીના અવસરે ઉપવાસની પૂર્ણાહૂતિ કરવાનો નિર્ણય હરિવંશજીએ જાહેર કર્યો હતો.

હરિવંશજીએ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુને લખેલા પત્રમાં ઉપવાસ કરવાથી વિપક્ષી સભ્યોને આત્મશુદ્ધિની પ્રેરણા મળે એવી આકાંક્ષા હરિવંશજીએ વ્યક્ત કરી હતી.

પાર્લામેન્ટ ગાર્ડનમાં ધરણાં

રાજ્યસભામાંથી આઠ સંસદસભ્યોનું એક અઠવાડિયાનું સસ્પેન્શન રદ કરવાની માગણી સાથે વિરોધ પક્ષોના સાંસદો ગઈ કાલે રાજ્યસભામાંથી સભાત્યાગ કરીને સંસદ ભવનના બગીચામાં ધરણાં પર બેઠાં હતાં. આઠ સભ્યોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સભાત્યાગ બાદ ધરણાં કરનારા પક્ષોમાં કૉન્ગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના, તૃણમૂલ કૉન્ગ્રેસ અને માર્ક્સવાદી પક્ષનો સમાવેશ છે. અગાઉ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ વિપક્ષી સભ્યોને સભાત્યાગ અને ગૃહની કાર્યવાહીના બહિષ્કારના નિર્ણય પર ફેરવિચાર અને આત્મચિંતન કરીને પાછા ફરવા અને ગૃહની ચર્ચામાં સહભાગી બનવાનો અનુરોધ કર્યો હતો.

- તો હરિવંશની હત્યા થાત

પશુપાલન, દુગ્ધ વ્યવસાય અને માછીમારી ખાતાના પ્રધાન ગિરિરાજ સિંહે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘રવિવારે કૃષિ સુધારા ખરડા પર ચર્ચા દરમ્યાન વિપક્ષી સાંસદોનું વર્તન અત્યંત હિંસક, અશિસ્ત અને બેજવાબદારીભર્યું હતું. જો એ વખતે માર્શલ્સ હાજર ન હોત તો બેકાબૂ સભ્યોને હાથે ગૃહના નાયબ અધ્યક્ષની હત્યા પણ થઈ હોત. જયપ્રકાશ નારાયણ અને ચંદ્રશેખરના સહયોગી રહી ચૂકેલા હરિવંશજી પત્રકાર પણ છે. ખાસ કરીને રાજ્યસભાના નાયબ અધ્યક્ષના હોદ્દા પર આવ્યા પછી તેઓ બંધારણને અનુસરતા ખૂબ નિયંત્રિત રહે છે. તેઓ બિહારના સપૂત છે. જો વિપક્ષી સાંસદો તેમના ગેરવર્તન માટે માફી નહીં માગે તો બિહાર વેરની વસૂલાત કરશે.’

રાજ્યસભામાં સાડાત્રણ કલાકમાં સાત ખરડા પસાર કરાયા

ગઈ કાલે રાજ્યસભામાં ફક્ત સાડાત્રણ કલાકના ગાળામાં સાત મહત્વના ખરડાને બહાલી આપવામાં આવી હતી. આમાં એસેન્શિયલ કૉમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ, બૅન્ક રેગ્યુલેશન (અમેન્ડમેન્ટ્સ) ઍક્ટ, કંપનીઝ (અમેન્ડમેન્ટ) બિલ, નૅશનલ ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીઝ બિલ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ, ટૅક્સેશન ઍન્ડ અધર લૉઝ બિલનો સમાવેશ થાય છે.

ટી ડિપ્લોમસી નિષ્ફળ : બરતરફ કરવાના કારણે સંસદના પરિસરમાં વિરોધ-પ્રદર્શન પર બેસેલા સંસદસભ્યોને ચાની ઑફર કરતા રાજ્યસભાના ડેપ્યુટી ચૅરમૅન હરિવંશ નારાયણ સિંહ. તસવીર : પી.ટી.આઇ.

new delhi national news venkaiah naidu narendra modi