તમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સારી રીતે ઓળખો છો, તમે જેવો ઇચ્છો છો એ જ ભાષામાં જવાબ આપશે

05 May, 2025 11:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહનો હુંકાર

રાજનાથ સિંહ

પહલગામમાં આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. આ વચ્ચે ભારતના સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે દિલ્હીમાં સંસ્કૃતિ જાગરણ મહોત્સવમાં  પાકિસ્તાનનું નામ લીધા વગર ચેતવણી આપી હતી. રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘દેશની સામે આંખ ઉઠાવીને જોનારા લોકોને જડબાતોડ જવાબ આપવાની જવાબદારી મારી છે. દેશના સંરક્ષણપ્રધાન તરીકે મારી જવાબદારી છે કે આપણી સરહદો સુરક્ષિત રહે. આપણા વડા પ્રધાનને તો આપ સૌ સારી રીતે ઓળખો જ છો. તેમની કાર્યશૈલીથી પણ તમે પરિચિત છો. આપ સૌને આશ્વાસન આપું છું કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં જેવું તમે ઇચ્છો છો એવું થઈને રહેશે. દેશના લોકો જેવો ઇચ્છે છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દુશ્મનોને એ જ ભાષામાં જવાબ આપશે. દુનિયાની કોઈ તાકાત ભારતને મિટાવી નહીં શકે. ભારત અમર રહેશે. એક સંરક્ષણપ્રધાન તરીકે મારી જવાબદારી છે કે હું પોતાના સૈનિકોની સાથે મળીને દેશની સરહદોની સુરક્ષાની ખાતરી કરું. ભારતની શક્તિ માત્ર સૈન્યક્ષમતામાં જ નહીં પરંતુ એની સંસ્કૃતિ અને અધ્યાત્મમાં પણ છે. ઇતિહાસ સાક્ષી છે કે ભારતના સંતોએ માત્ર આધ્યાત્મિક જ નહીં; સમાજસુધાર, શિક્ષણ અને રાષ્ટ્રીય એકતામાં પણ અગ્રણી ભૂમિકા નિભાવી છે. એક તરફ સંતો સંસ્કૃતિની રક્ષા કરે છે તો બીજી તરફ સૈનિકો સરહદની રક્ષા કરે છે. એક તરફ સંતો જીવનભૂમિ પર લડે છે ત્યાં બીજી તરફ સૈનિકો રણભૂમિમાં લડત આપે છે.’ 

વાયુસેનાના પ્રમુખે નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત, પાકિસ્તાન સાથે તનાવ વચ્ચે થઈ મહત્ત્વની બેઠક

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર જવાબી કાર્યવાહીની તૈયારી કરી રહી છે. એ હેઠળ વડા પ્રધાનના નિવાસસ્થાનમાં સતત બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે રવિવારે ભારતીય વાયુસેનાના પ્રમુખ ઍર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પહલગામમાં આતંકવાદી હુમલા અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતોની પૃષ્ઠભૂમિમાં આ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ અગાઉ શુક્રવારે નૌસેનાના પ્રમુખ ઍડ્‍મિરલ દિનેશ કે. ત્રિપાઠીએ પણ વડા પ્રધાન મોદી સાથે બેઠક કરી હતી. આ બેઠક એક કલાક સુધી ચાલી હતી. એમાં તેમણે નૌકાદળની વર્તમાન તૈયારીઓ અને તેમની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.

શ્રીનગરમાં હવન

ગઈ કાલે શ્રીનગરમાં ક્લૉક ટાવર પાસે સનાતન સેવા ન્યાસના સભ્યોએ પહલગામ અટૅકમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવા હવનનું આયોજન કર્યું હતું.

india pakistan Pahalgam Terror Attack terror attack narendra modi rajnath singh national news news indian army indian government