તથ્યોને દબાવો નહીં, સોગંદનામું ફરી રજૂ કરો: સુપ્રીમ કોર્ટ

02 December, 2020 12:22 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તથ્યોને દબાવો નહીં, સોગંદનામું ફરી રજૂ કરો: સુપ્રીમ કોર્ટ

ફાઈલ તસવીર

રાજકોટમાં કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાની સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ફરી ઝાટકણી કાઢી છે. સુપ્રીમે કહ્યું કે સરકાર રાજકોટ આગકાંડ વિશે તથ્યોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતના જવાબથી નાખુશ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યના તથ્યોને દબાવવાં ન જોઈએ. સાચાં તથ્યોની સાથે એક નવું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપવો પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આપના જણાવ્યા અનુસાર બધું સારું છે, પરંતુ વલણ વાયરિંગના મામલે પોતાના ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના રિપોર્ટથી વિપરીત છે. તમે માત્ર તપાસ પંચને રચીને ખુશ છો.

આ મામલામાં ગુજરાત સરકાર વ્યવસ્થિત રીતે સોગંદનામું દાખલ કરે. એની સાથે જ સુપ્રીમ કોર્ટે સૉલિસિટર જનરલ તુષાર મહેતાને અનુરોધ કર્યો હતો કે આ મામલામાં રસ લે અને યોગ્ય રિપોર્ટ દાખલ કરે. આ કેસની આગામી સુનાવણી ગુરુવારે થશે. રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલમાં લાગેલી આગને કારણે ૬ દરદીઓનાં મોત થયાં હતાં. અગાઉની સુનાવણીમાં કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાને કારણે થયેલાં મોતની ઘટના પર સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લેતાં સુનાવણી શરૂ કરી હતી અને આવી ઘટનાઓ પર અંકુશ લગાવવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ફળતા પર આકરી નારાજગી વ્યક્ત કરી હતી.

supreme court rajkot