Rajasthan: ખાટુશ્યામનાં દર્શન કરી રિટર્ન થઇ રહેલ દસ શ્રદ્ધાળુઓનાં મોત

14 August, 2025 07:01 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Online Correspondent

Rajasthan: સાતેક લોકોએ તો ઘટનાસ્થળે જ દમ તોડી નાખ્યો હતો. વાપી પોલીસ થાના એરિયામાં મોડી રાત્રે 3 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે આ અકસ્માત બન્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાન (Rajasthan)ના દૌસા જિલ્લામાં ભીષણ અકસ્માત થયો છે. ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પાછા ફરી રહેલા કેટલાંક શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બની ગયા. દસ લોકોના આ અકસ્માતમાં મોત થયાં છે. અનેક જણને ગંભીર ઈજાઓ પણ થઇ છે.  હાલમાં તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર તમામ મૃતકો ખાટુશ્યામ મંદિર (Rajasthan)ના દર્શને ગયા હતા. પિક-અપ ટ્રક દૌસા તરફ રિટર્ન થઇ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. સાતેક લોકોએ તો ઘટનાસ્થળે જ દમ તોડી નાખ્યો હતો. વાપી પોલીસ થાના એરિયામાં મોડી રાત્રે 3 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે આ અકસ્માત બન્યો હતો. આ કરુણ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ તમામ શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના ઇટાહના રહેવાસી હતા. શ્રદ્ધાળુઓનું વાહન એક ટ્રક સાથે અથડાયુ હતું. બન્ને વાહન વચ્ચે થયેલી ટક્કર એટલી ગંભીર હતી કે સાત બાળકો સહિત દસેદસ લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

આ કરુણ બીના પર વધુ માહિતી શેર કરતાં એસપી સાગર રાણાએ જણાવ્યું હતું કે ખાટુશ્યામ મંદિર (Rajasthan)થી આવી રહેલા ભક્તોના વાહનને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી છે. અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઇ છે. ઘાયલોમાં ઘણા લોકોની હાલત ગંભીર હોઈ કદાચ મૃત્યુઆંક વધી શકે છે. હાલ તો તમામ ઈજાગ્રસ્તોને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત થયું હતું. આ ઉપરાંત 3 ઘાયલોને દૌસાની જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવની જાણ થતાં એએસપી દિનેશ કુમાર, સીઓ અરુણ કુમાર, તહસીલદાર રાધેશ્યામ શર્મા અને સ્ટેશન ઇન્સ્પેક્ટર સત્યેન્દ્ર કુમાર પોલીસ અને પીએસી સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી ભજનલાલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે, "દૌસામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો. તેમાં અનેક લોકોએ જાણ ગુમાવ્યો તે સમાચાર ખૂબ જ દુઃખદ છે. જિલ્લા વહીવટીતંત્રને ઈજાગ્રસ્તોને ઝડપી અને યોગ્ય સારવાર પૂરી પાડવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વાસ્થ્ય બક્ષે"

પ્રારંભિક તપાસાનુસાર શ્રદ્ધાળુઓના વાહનના ડ્રાઈવરને ઝોકું આવી ગયું હોવાથી તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. વાહન રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાયું હતું. આ અકસ્માત બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. બાળકોના રુદન સંભળાઈ રહ્યાં છે.

national news india rajasthan road accident religious places