આખરે વસુંધરા રાજેએ તોડયું મૌન: ભાજપ પર દોષના ટોપલા ઢોળી રહી છે કોંગ્રેસ

19 July, 2020 03:13 PM IST  |  Udaipur | Gujarati Mid-day Online Correspondent

આખરે વસુંધરા રાજેએ તોડયું મૌન: ભાજપ પર દોષના ટોપલા ઢોળી રહી છે કોંગ્રેસ

વસુંધરા રાજે (ફાઈલ તસવીર)

રાજસ્થાનમાં અશોક ગેહલોત અને પ્રદેશ અધ્યક્ષની સાથે જ ગેહલોત સરકારના નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા સચિન પાયલટ વચ્ચેના રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસે પાયલટની હકાલપટ્ટી કરી છે. ત્યારે હવે ગેહલોત સરકારને બચાવવાની તૈયારીમાં જોતરાયેલી કોંગ્રેસ વાયરલ થયેલ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની કથિત ઓડિયો ટેપનો આધાર લઇને સમગ્ર સંકટ માટે ભાજપ પર આકરા પ્રહાર કરી રહી છે. ત્યારે રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમ અંગે પૂર્વ મુખ્યંત્રી વસુંધરા રાજેએ પહેલી વાર નિવેદન આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, ભાજપ પર દોષનાં ટોપલા ઢોળી રહી છે કોંગ્રેસ.

વસુંધરા રાજેએ ટ્વીટ કર્યું છે કે, કોંગ્રેસ, ભાજપ અને ભાજપ નેતૃત્વને દોષી ઠેરવવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર માટે માત્ર અને માત્ર જાહેર હિત સર્વોચ્ચ હોવું જોઈએ. તેમણે કટાક્ષ કરતાં કહ્યું છે કે કોઈપણ સમય હોય જનતા વિશે વિચારવું જરૂરી છે. કોંગ્રેસના આંતરિક વિવાદનું નુકસાન રાજ્યની જનતા ભોગવી રહી છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાને કારણે 500 થી વધુ મોત થયાં છે. તો તીડ પણ ખેડુતોના ખેતરો પર સતત હુમલો કરી રહ્યાં છે. મહિલાઓ સામેનાં ગુનાઓએ હદ વટાવી દીધી છે. રાજ્યમાં વીજળીની સમસ્યા ચરમસીમાએ છે. આવા સમયે કોંગ્રેસ ભાજપ પર દોષારોપણ કરવાનો પ્રયાસ કરી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે, ક્ષેત્રફળનાં મામલે સૌથી મોટાં રાજ્યમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ગેહલોત સરકારમાં નાયબ મુખ્યમંત્રી અને શાસક પક્ષ કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ વચ્ચે શરૂ થયેલ સત્તા સંઘર્ષમાં ઓડિઓ-ટેપ કૌભાંડ બાદ વિપક્ષ ભાજપનું નામ પણ આવી ગયું છે. ઓડિઓ ટેપના બહાને, કોંગ્રેસ અશોક ગેહલોત સરકારને અસ્થિર કરવા માટે ભાજપ પર ધારાસભ્યોની ખરીદી-વેચાણનો સીધો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનું નામ પણ લઈને તેમની ભૂમિકાની તપાસની માંગ કરી હતી.

indian politics gujarat rajasthan vasundhara raje twitter