12 June, 2025 10:23 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મેઘાલયના શિલૉન્ગની ગણેશ દાસ હૉસ્પિટલમાં સોનમ રઘુવંશીનું મેડિકલ ચેકઅપ કરાવીને તેને લઈ જતી પોલીસ.
રાજા રઘુવંશીની હત્યાના કેસમાં રાજાના મોટા ભાઈ વિપિન રઘુવંશીએ ખુલાસો કર્યો છે કે સોનમે લગ્ન પહેલાં તેના પરિવારને તેના રાજ કુશવાહા સાથેના પ્રેમસંબંધની જાણ કરી હતી અને સોનમે તેની મમ્મીને ચેતવણી આપી હતી કે જો તેને રાજા રઘુવંશી સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવે તો કોઈ પણ દુ:ખદ ઘટના બની શકે છે અને એના માટે હું જવાબદાર નહીં હોઉં.
આ મુદ્દે વિપિન રઘુવંશીએ જણાવ્યું હતું કે સોનમના પરિવારના એક નજીકના પરિચિતે મને કહ્યું હતું કે સોનમે તેની મમ્મીને કહ્યું હતું કે તે બીજા કોઈ સાથે પ્રેમમાં છે, પરંતુ તેના પરિવારે તેને કહ્યું હતું કે તું જેને ઇચ્છે તેને પ્રેમ કરી શકે છે, પરંતુ તારાં લગ્ન સમાજમાં જ થશે. આના જવાબમાં સોનમે કહ્યું હતું કે ‘ઠીક છે, હું જ્યાં પણ લગ્ન કરીશ પછી ગમે તે થાય હું તેના માટે જવાબદાર નહીં હોઉં.’
પોલીસે શું કહ્યું?
આ કેસમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે સોનમ રઘુવંશી રાજ કુશવાહાને પ્રેમ કરતી હતી અને તેણે તેના પરિવારને રાજા રઘુવંશી સાથે લગ્ન કરવા માટે દબાણ કરવા બદલ પરિણામો ભોગવવાની ચેતવણી આપી હતી. લગ્ન બાદ તરત જ સોનમે રાજા રઘુવંશીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને એનો અમલ પણ કર્યો હતો. કોઈએ વિચાર્યું નહોતું કે સોનમ રાજાને મારી નાખશે.
સોનમના પિતા કડક
સોનમની મમ્મીએ લગ્ન પહેલાં રાજાની મમ્મી ઉમા રઘુવંશીને કહ્યું હતું કે સોનમના પિતા ખૂબ જ કડક છે અને તેઓ સોનમને ઘરની બહાર જવા દેતા નથી; અમારી દીકરી સારી છોકરી છે, તે ઘરની બહાર પગ પણ મૂકતી નથી.
રાજા સાથે વાત કરતી નહોતી
રાજાની મમ્મી ઉમા રઘુવંશીએ કહ્યું હતું કે ‘રાજા કહેતો હતો કે સોનમ તેની સાથે વાત કરતી નથી, તે તેની અવગણના કરતી હતી. સોનમે હનીમૂન માટે ફક્ત એકતરફી વિમાનની ટિકિટ બુક કરાવી હતી. અમે રાજાની ખુશી જોઈ રહ્યાં હતાં, તે ખુશ હતો તેથી અમે પણ ખુશ હતાં. અમને ખ્યાલ નહોતો કે સોનમ આવું કંઈક કરશે.’