નોટબંધી આતંકવાદી હુમલો, જવાબદારોનો ન્યાય હજુ પણ બાકી : રાહુલ ગાંધી

09 November, 2019 09:43 AM IST  |  New Delhi

નોટબંધી આતંકવાદી હુમલો, જવાબદારોનો ન્યાય હજુ પણ બાકી : રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નોટબંધીની ત્રીજી વરસીએ સરકાર પર ધારદાર પ્રહાર કર્યો હતો. રાહુલે નોટબંધીને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો હતો અને આ દુષ્ટ હુમલાના જવાબદારોનો ન્યાય કરવાનો હજી બાકી છે. ૨૦૧૬ની ૮ નવેમ્બરે નોટબંધીની ત્રીજી વરસી છે ત્યારે કૉન્ગ્રેસના નેતાએ સરકારને આડેહાથ લીધી હતી.
૨૦૧૬ની ૮ નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરતાં ૧૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ત્યાર બાદ સમગ્ર દેશની બૅન્કની બહાર લાંબી-લાંબી લાઇનો લાગી હતી. લોકોને તેમની પરસેવાની કમાણીને બૅન્કમાં જમા કરાવવા મસમોટી લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું.
રાહુલ ગાંધીએ એક ટ્‌વીટ કરતાં કહ્યું કે ‘નોટબંધીના આતંકવાદી હુમલાને ત્રણ વર્ષ થયાં છે અને આ પગલાથી ભારતીય અર્થતંત્રની ઘોર ખોદાઈ ગઈ છે. કેટલાય લોકોના જીવ ગયા છે તો લાખો નાના વેપારઉદ્યોગનો સફાયો થઈ ગયો હતો. લાખો ભારતીયો બેરાજગારીમાં ધકેલાઈ ગયા છે.’
આ દુષ્ટ કૃત્ય પાછળના જવાબદાર લોકોનો હજી ન્યાય તોળવાનો બાકી છે, એમ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. બીજી તરફ કૉન્ગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ નોટબંધીના નિર્ણયને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વર્તમાન સમયના ‘તુઘલક’ ગણાવ્યા હતા. સૂરજેવાલાએ ટ્‌વીટ કરીને જણાવ્યું કે ‘તુઘલકે ૧૩૩૦માં ભારતીય ચલણ નાબૂદ કર્યું હતું અને વર્તમાન સમયના તુઘલકે પણ ૨૦૧૬ની ૮ નવેમ્બરે આવું જ કર્યું હતું.’

આ પણ જુઓઃ કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

ત્રણ વર્ષ વીત્યા છતાં દેશ સહન કરી રહ્યો છે. અર્થતંત્ર પડી ભાંગ્યું છે, રોજગારી છીનવાઈ રહી છે. આતંકવાદ પણ અટક્યો નથી કે બનાવટી નાણાંનો ધંધો પણ બંધ થયો નથી. આ તમામ માટે કોણ જવાબદાર છે એવો સણસણતો સવાલ તેમણે કર્યો હતો. નોટબંધીની ત્રીજી વરસીએ પણ સત્તામાં રહેલા શાસકો ચૂપ કેમ છે એવું તેમણે ટ્‌વીટમાં જણાવ્યું હતું.

નોટબંધી એક ‘તુઘલખી’ નિર્ણય, આપણી અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી : પ્રિયંકા ગાંધી

કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ નોટબંધી વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે ટ્વીટ કર્યું છે, ‘નોટબંધીને ૩ વર્ષ થઈ ગયાં. સરકાર અને તેમના ચમચાઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે નોટબંધી દરેક મુશ્કેલીઓનો ઉકેલ છે. આ દરેક દાવા હવે ધીમે-ધીમે ખોટા સાબિત થઈ રહ્યા છે. નોટબંધી એક ડિઝૅસ્ટર હતું જેણે આપણી દરેક અર્થવ્યવસ્થાને નષ્ટ કરી દીધી છે. હવે આ તુઘલખી નિર્ણયની જવાબદારી કોણ લેશે? દેશમાં અર્થવ્યવસ્થાની સ્થિતિ એકદમ નબળી છે. સેવા સેક્ટર ઊંઘા માથે પડ્યું છે. રોજગારી ઘટી રહી છે. શાસન કરનાર લોકો તેમનામાં જ મસ્ત છે, જનતા દરેક ક્ષેત્રે ત્રાસી ગઈ છે.’

rahul gandhi national news