કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ...

13 February, 2021 02:44 PM IST  |  New Delhi | Gujarati Mid day Correspondent

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યો આક્ષેપ...

લદ્દાખમાં આવેલી પૅન્ગૉન્ગ ઝીલમાંથી હટતી ભારતની સેના. (તસવીર: પી.ટી.આઈ)

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ભારતની જમીન ચીનને સોંપી દીધાનો આક્ષેપ કરતાં ભારત સરકારને પૂર્વીય લદાખમાંથી સીમાવર્તી દળો પાછાં ખેંચી લેવા બાબતે ચીન સાથે થયેલા કરાર પર પ્રશ્ન કર્યો હતો.

એક પત્રકાર-પરિષદને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એમ જણાઈ રહ્યું છે કે ભારતીય લશ્કર હવે પૅન્ગૉન્ગ ત્સો લેક પર ફિંગર-૩ ખાતે તહેનાત રહેશે. ફિંગર-૪ આપણી સરહદમાં આવે છે અને અત્યાર સુધી આપણી ટુકડીઓ આ સ્થાને તહેનાત રહેતી હતી. આમ હવે આપણું લશ્કર ફિંગર-૪ પરથી ખસીને ફિંગર-૩ પર તહેનાત રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પ્રદેશ ચીનને કેમ સોંપી દીધો? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ તેમણે અને સંરક્ષણ પ્રધાને આપવો જોઈશે.

ભારે મહેનતે કૈલાસ રેન્જ પર કબજો કરનારી આપણી ભારતીય ટુકડીઓને પાછળ હટવાનું કેમ કહેવાયું એવો પ્રશ્ન રાહુલ ગાંધીએ કર્યો હતો.. ચીની સૈનિકો ગોગરા હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાંથી પાછા કેમ નથી હટ્યા?

ભારતની સરહદ ફિંગર-૪ સુધી હતી એ વાત ખોટી

ભારતે એની જમીનનો કેટલોક ભાગ ચીનને સોંપી દીધો હોવાનો કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યા બાદ ભારત અને ચીનના લશ્કરની પીછેહઠ વિશે માધ્યમોમાં પ્રવર્તી રહેલી ખોટી માહિતી સામે વાંધો ઉઠાવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે યાદીમાં જણાવ્યું હતું કે લદાખમાંથી ભારતની જમીનનો કેટલોક ભાગ ચીનને આપી દેવાયો હોવાની વાત ખોટી છે.

આંકડાકીય વિગતો દર્શાવતાં મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતનો પ્રદેશ ભારતના નકશા દ્વારા વર્ણવ્યા મુજબ છે અને એમાં ૧૯૬૨થી ભારતે જેના પર ગેરકાયદે કબજો જમાવી દીધો છે એમાં ૪૩,૦૦૦ ચોરસ કિલોમીટર કરતાં વધુ પ્રદેશનો સમાવેશ છે. ભારતીય દૃષ્ટિકોણથી લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) ફિંગર-૮ પર છે, ફિંગર-૪ પર નહીં.

national news congress rahul gandhi narendra modi ladakh