હાથરસ જતા રાહુલ ગાંધીની ધરપકડ

01 October, 2020 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હાથરસ જતા રાહુલ ગાંધીની ધરપકડ

ફાઈલ તસવીર

હાથરસ (Hathras) મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. કેરળના વાયનાડના સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) સાથે પીડિતના પરિવારજનોને મળવા માટે દિલ્હીથી હાથરસ જવા નીકળી ચૂક્યા હતા. જો કે ગ્રેટર નોઈડામાં તેમના કાફલાને રોકી લેવામાં આવ્યો. કાફલો રોકવામાં આવ્યા બાદ રાહુલ-પ્રિયંકા પગપાળા જ હાથરસ જવા નીકળી પડ્યા.  થોડી વાર પછી પોલીસે ફરી રોક્યા તો ધક્કામુક્કીમાં રાહુલ જમીન પર પડી ગયા. રાહુલે કહ્યું કે, પોલીસે મને ધક્કા માર્યા, લાઠી ચાર્જ કર્યો, મને જમીન પર પાડી દીધો. હું પૂછવા માંગુ છું કે શું આ દેશમાં માત્ર મોદીજી જ ચાલી શકે છે ? શું સામાન્ય માણસ ન ચાલી શકે. અમારી કારને રોકવામાં આવી હતી. એટલે અમે પગે ચાલવાનું શરૂ કર્યું. હું તે ગેંગરેપ પીડિતના પરિવારને મળવા માંગુ છું, તેઓ મને રોકી શકશે નહિ. જોકે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર ફરી રહ્યા છે.

હાથરસ જતા પહેલા પ્રિયંકા ગાંધી વાડ્રાએ યોગી સરકાર પર ટ્વીટ કરીને હુમલો કર્યો. તેમણે કહ્યું કે હાથરસમાં અન્યાય થઈ રહ્યો છે. પરિવાર તપાસથી સંતુષ્ટ નથી. પ્રિયંકાએ યોગી સરકાર પર પીડિત પરિવારને ધમકાવવાનો પણ આરોપ લગાવ્યો છે. પ્રિયંકાએ કહ્યું કે યુપી સરકાર પરિવારને ચૂપ કરાવવા માંગે છે.

હાથરસના ડીએમ પ્રવીણ કુમાર લક્ષકારે જણાવ્યું કે જિલ્લાની બધી સીમાઓ સીલ કરી દેવામાં આવી છે. સાથે જ આખા જિલ્લાની સીઆરપીસીની ધારા 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત પાંચથી વધારે લોકોને એક જગ્યાએ એકઠા થવાની પરવાનગી નથી. તેમણે જણાવ્યું કે અમને પ્રિયંકા ગાંધીના આવવાની માહિતી નથી. એસઆઇટી આજે પીડિત પરિવારના સભ્યો સાથે મુલાકાત કરશે, મીડિયાને પરવાનગી આપવામાં નહીં આવે.

જણાવવાનું કે ગેન્ગ રેપ અને બર્બરતાનો શિકાર થયેલી 20 વર્ષની પીડિતાનું મંગળવારે સારવાર દરમિયાન નિધન થઈ ગયું. ત્યાર પછી યૂપી પોલીસે મંગળવારે મોડી રાતે અંધારામાં પરિવારની હાજરી વગર જ પીડિતાનું અંતિમ સંસ્કાર કરવા અંગે આખા દેશમાં આક્રોશ ફેલાયેલા છો. આ ઘટના પછી રાહુલ અને પ્રિયંકા સતત યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર જવાબ મામલે પ્રહાર કરી રહ્યાં છે.

rahul gandhi priyanka gandhi congress