૧૯૮૦ના દાયકામાં જે થયું એ ખોટું હતું, કૉન્ગ્રેસ પાર્ટીની તમામ ભૂલોની જવાબદારી લેવા તૈયાર : સિખ રમખાણો પર રાહુલ

05 May, 2025 11:20 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વિદ્યાર્થીએ કૉન્ગ્રેસ પર સિખ અવાજોને અવગણવાનો અને ૧૯૮૪નાં રમખાણોના આરોપી સજ્જન કુમાર જેવા લોકોને બચાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

રાહુલ ગાંધી

કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં રાહુલ ગાંધી અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા નજરે પડી રહ્યા છે. વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને પૂછ્યું કે ‘તમે કહ્યું કે રાજનીતિ નીડર હોવી જોઈએ, ડરવાની કોઈ વાત ન હોવી જોઈએ, પરંતુ અમે અભિવ્યક્તિની આઝાદી ઇચ્છીએ છીએ જે કૉન્ગ્રેસ પાર્ટીના શાસનમાં મળી નહોતી.’ વિદ્યાર્થીએ કૉન્ગ્રેસ પર સિખ અવાજોને અવગણવાનો અને ૧૯૮૪નાં રમખાણોના આરોપી સજ્જન કુમાર જેવા લોકોને બચાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે ‘પાર્ટીની અનેક ભૂલો એ સમયે થઈ, અમે કૉન્ગ્રેસ પાર્ટીના ઇતિહાસમાં થયેલી દરેક ભૂલની જવાબદારી લેવા તૈયાર છીએ. મેં જાહેરમાં કહ્યું છે કે ૮૦ના દાયકામાં જે બન્યું એ ખોટું હતું. મેં ઘણી વખત સુવર્ણ મંદિરની મુલાકાત લીધી છે. ભારતમાં સિખ સમુદાય સાથે મારા ખૂબ સારા સંબંધો છે.’

rahul gandhi congress religion golden temple viral videos national news news history political news indian politics