પટિયાલામાં રેલવે-ટ્રૅક પર થયો બ્લાસ્ટ, બૉમ્બ ફિટ કરનારાનાં ચીંથરાં ઊડી ગયાં

29 April, 2026 09:48 AM IST  |  Patiala | Gujarati Mid-day Correspondent

બૉમ્બ-બ્લાસ્ટ સાથે સંકળાયેલા ૪ આતંકવાદી પકડાયા : મલેશિયાના ખાલિસ્તાની સંગઠન અને પાકિસ્તાની ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સના સંપર્કમાં હતી આખી ટોળકી

પટિયાલા પાસે રાજપુરાના રેલવે ટ્રૅક પર જ્યાં બ્લાસ્ટ થયેલો એ ટ્રૅકનું નિરીક્ષણ અને રિપેરિંગ કરી રહેલા રેલવે કર્મચારીઓ (ડાબે - ઉપર અને નીચે), જગરૂપ સિં

પંજાબના પટિયાલામાં રાજપુરામાં અંબાલા-અમૃતસર રેલ ફ્રેટ કૉરિડોરમાં સોમવારે રાતે ૮ વાગ્યે ચાલતી માલગાડીની નીચે બ્લાસ્ટ થયો હતો. એનાથી ડ્રાઇવરને જોરદાર ઝાટકો લાગતાં તેણે તરત જ રેલવે પોલીસને એની જાણ કરી હતી. નવ વાગ્યાના અરસામાં પોલીસે તરત જ ઘટનાસ્થળે જઈને તપાસ કરતાં ત્યાં ચીંથરેહાલ થયેલું એક શબ મળી આવ્યું હતું. પટિયાલાના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SSP) વરુણ શર્માએ કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે સોમવારે રાતે જે માણસ બૉમ્બ-ધમાકો કરવાની કોશિશ કરી રહ્યો હતો એ પોતે બ્લાસ્ટમાં માર્યો ગયો છે. મરનારનું નામ જગરૂપ સિંહ હતું જે તરનતારનના પંજવડ ગામનો રહેવાસી હતો. તેના મોબાઇલમાંથી કેટલીક માહિતી મળી હતી અને એક ટિકિટ પણ મળી હતી. CCTV કૅમેરાના એક ફુટેજમાં જગરૂપ સિંહ અમૃતસરમાં બાઇક પાર્ક કરતો જોવા મળ્યો હતો. પોલીસે એ જગ્યાથી બાઇક જપ્ત કરી લીધી હતી.  

પોલીસનું કહેવું હતું કે ઘટનાસ્થળેથી જે ચીજો મળી આવી એના પરથી એ કોઈ નાનો વિસ્ફોટ નહોતો, પરંતુ મોટો બૉમ્બબ્લાસ્ટ કરવાનો પ્રયાસ હતો. ઘટનાસ્થળ પાસેથી બે બાઇક મળી હતી જે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના નંબરની છે. એક અઠવાડિયા પહેલાં ખાલિસ્તાન નૅશનલ આર્મીએ ઈમેઇલ કરીને પંજાબ અને હરિયાણામાં રેલવે-ટ્રૅક્સને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. છેલ્લા ત્રણ મહિનામાં ફ્રેટ કૉરિડોર પર આ બીજો બ્લાસ્ટ થયો હતો.

ગઈ કાલે સોશ્યલ મીડિયામાં ખાલિસ્તાન ટાઇગર ફોર્સ (KTF)એ આ બ્લાસ્ટની જવાબદારી લીધી હતી જેમાં જર્મનીમાં રહેતા જસવિંદર સિંહ મુલતાનીએ આ બ્લાસ્ટ કરાવ્યા હોવાનું કહેવાય છે.

પોલીસને મોટી સફળતા

ગઈ કાલે પટિયાલાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (DIG) કુલદીપ સિંહ ચહલ અને SSP વરુણ શર્માએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું હતું પટિયાલા પોલીસને આ કેસમાં મોટી સફળતા મળી છે અને બૉર્ડર પારથી કામ કરી રહેલા આતંકવાદી મૉડ્યુલના ચાર સભ્યોની ધરપકડ કરી છે. આ ચાર જણની ઓળખ છે પ્રદીપ સિંહ ખાલસા (મૉડ્યુલનો લીડર), કુલવિંદર સિંહ બંગા, સતનામ સિંહ સત્તા અને ગુરપ્રીત સિંહ ઉર્ફ ગોપી. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયાર, એક બૉમ્બ, જીવતી કારતૂસો અને વિસ્ફોટકો બનાવવાનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પૂછપરછમાં ખબર પડી હતી કે આ ગૅન્ગના લોકો પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISI અને મલેશિયામાં સક્રિય ખાલિસ્તાની કટ્ટર ગ્રુપ્સના સીધા સંપર્કમાં હતા.

bomb blast patiala punjab national news news