પંજાબના સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ, પદ પરથી હટાવાયા

24 May, 2022 03:05 PM IST  |  Amritsar | Gujarati Mid-day Online Correspondent

વિજય સિંગલા માણસાથી ધારાસભ્ય છે

ફાઇલ તસવીર

પંજાબની ભગવંત માન સરકારમાં આરોગ્ય મંત્રી વિજય સિંગલાને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સીએમ ભગવંત માને તેમને મંત્રી પદ પરથી હટાવી દીધા છે. સિંગલા પર એક ટકા કમિશન માગ્યું હોવાનો આરોપો છે. મુખ્યમંત્રીએ સિંગલા સામે કેસ નોંધવા પણ કહ્યું છે, જે બાદ એન્ટી કરપ્શન બ્રાન્ચે સિંગલાની ધરપકડ કરી છે.

સીએમ ભગવંત માને કહ્યું કે “જ્યારે તેમણે મંત્રી સાથે વાત કરી તો તેઓ કમિશન લેવા માટે સંમત થયા, જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે.” સીએમએ કહ્યું કે “પોલીસને કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સીએમ ભગવંત માને કહ્યું કે એક મામલો તેમના ધ્યાન પર આવ્યો છે કે સરકારના એક મંત્રી પ્રોજેક્ટમાં એક ટકા કમિશન માગે છે. તેમણે કહ્યું કે આ કેસ વિશે માત્ર તેઓ જ જાણે છે. મીડિયાને પણ તેની જાણ નથી.

ભગવંત માને કહ્યું કે તેઓ ઇચ્છતા તો આ કેસને દબાવી શક્યા હોત, પરંતુ તેમણે લોકોને ભ્રષ્ટાચાર મુક્ત સરકારનું વચન આપ્યું હતું. તેથી તે આવા લોકોને બિલકુલ સહન કરશે નહીં. ભગવંત માને કહ્યું કે તેમની સરકાર ભ્રષ્ટાચારને બિલકુલ સાંખી લેશે નહીં.

સીએમ ભગવંત માને કહ્યું કે તેમની સરકારે લોકોને વચન આપ્યું છે કે તેઓ ઈમાનદાર સરકાર આપશે. સરકારમાં ભ્રષ્ટાચાર કરનારને ક્યારેય બક્ષવામાં આવશે નહીં.

વિજય સિંગલા માણસાથી ધારાસભ્ય છે. તેમણે કોંગ્રેસમાં જોડાયેલા પ્રખ્યાત ગાયક સિદ્ધુ મૂઝવાલાને હરાવ્યા હતા. માણસા પ્રદેશને 27 વર્ષ બાદ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. શેર સિંહ ગાગોવાલને 27 વર્ષ પહેલા રાજીન્દર કૌર ભટ્ટલની સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા.

national news punjab