06 July, 2026 11:05 AM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે PoKમાં ૪૦,૦૦૦ લોકો પ્રદર્શન કરવા રસ્તા પર નીકળી આવ્યા હતા.
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (PoK)માં છેલ્લા એક મહિનાથી મોટા પાયે પાકિસ્તાનવિરોધી પ્રદર્શનો ફાટી નીકળ્યા બાદ પાકિસ્તાન સરકારે કડક કાર્યવાહી કરીને ૬૦૦થી વધુ નાગરિક અધિકાર કાર્યકરોની સામૂહિક ધરપકડ કરી છે, જેમાં જૉઇન્ટ અવામી ઍક્શન કમિટી (JAAC)ના અગ્રણી નેતા શૌકત નવાઝ મીરનો સમાવેશ છે. આ અટકાયતથી ગુસ્સે ભરાયેલા JAACએ ઇસ્લામાબાદને ખુલ્લો પડકાર આપીને ભારતની મદદ માગી છે. JAACએ એના નેતાઓની ધરપકડ પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ગુલામો તેમના નિયંત્રણમાં છે. સ્થાનિકો હવે ઇસ્લામાબાદની ધમકીઓ સામે ઝૂકશે નહીં.’
બીજી તરફ જમ્મુ અને કાશ્મીર JAACના મુખ્ય સભ્ય સરદાર અમન ખાનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાની શાસન હેઠળની ગંભીર અછત, વ્યવસ્થિત ક્રૂરતા અને ભયંકર માનવતાવાદી કટોકટીને ઉજાગર કરવામાં આવી છે. આ વિડિયોમાં સરદાર અમન ખાન એક વિશાળ જનમેદનીને સંબોધતાં કહે છે કે ‘મેંઢર, પૂંછ, રાજૌરી અને ડોડાના લોકોને અમે અપીલ કરીએ છીએ. આ બાજુ રાશનની અછત છે, દવાઓની અછત છે અને અમને તમારી મદદની જરૂર છે. અમે રાજૌરી, જમ્મુ, લદ્દાખ, કારગિલ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને સમગ્ર રાજ્યના લોકો સાથે વાત કરી રહ્યા છીએ. જેમ તમે બધા જાણો છો, PoKને આવા દબાણ અને જુલમનો સામનો કર્યાને લગભગ એક મહિનો થઈ ગયો છે.’
પાકિસ્તાની નિયંત્રણથી મુક્ત થવા JAAC નેતાએ સરહદો તોડી પાડવાની માગણી કરીને કહ્યું હતું કે ‘અમે લાઇન ઑફ કન્ટ્રોલ (LoC)નો અંત લાવવા માગીએ છીએ અને અમને તમારા સમર્થનની જરૂર છે. મારી અપીલ છે કે તમે આગળ આવો, રાજકીય સંવાદ માટે દરવાજા ખુલ્લા રાખ્યા છે. જો કોઈ એવું વિચારે કે આપણે આપણી નબળાઈને કારણે ક્યાંક ફસાઈ ગયા છીએ તો તે ભૂલમાં છે. કોઈ ફસાઈ ગયું નથી. ખુદાની ઇચ્છા હોય, અમે તમને રસ્તાઓ બતાવીશું. એ પછી તમે બધા રસ્તા જોશો, અમે તમને બતાવીશું કે રસ્તાઓ ક્યાં છે.’ એક વાઇરલ વિડિયોમાં સરદાર અમન ખાને સુરક્ષા સંસ્થાને સીધો પડકાર ફેંકતાં ટોળાને પૂછ્યું હતું કે મને મોટેથી કહો, શું આપણે LoC તરફ આગળ વધવું જોઈએ કે નહીં? એનો ભીડે હકારમાં જવાબ આપ્યો હતો.