રાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનું ૯૯ વર્ષની વયે નિધન

10 April, 2021 02:58 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ફેબ્રુઆરીમાં તેમને હૃદયની બીમારી તથા ઇન્ફેક્શનને કારણે હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું. તેઓ ‘સંક્રમણ’થી પીડાતા હોવાનું રાજવી પરિવારે ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું.

રાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપનું ૯૯ વર્ષની વયે નિધન

લંડન : બ્રિટનનાં રાણી એલિઝાબેથ-બીજાના પતિ પ્રિન્સ ફિલિપનું નિધન થયું છે. તેઓ ૯૯ વર્ષના હતા. તેઓ ‘હિઝ રૉયલ હાઇનેસ ધ પ્રિન્સ ફિલિપ, ડ્યુક ઑફ એડિનબર્ગ’ તરીકે ઓળખાતા હતા. ગઈ કાલે ધ બકિંગહૅમ પૅલેસે તેમના અવસાન વિશેની જાહેરાત કરી હતી. ફેબ્રુઆરીમાં તેમને હૃદયની બીમારી તથા ઇન્ફેક્શનને કારણે હૉસ્પિટલમાં રહેવું પડ્યું હતું. તેઓ ‘સંક્રમણ’થી પીડાતા હોવાનું રાજવી પરિવારે ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું. ગઈ કાલે વિન્ડસર કૅસલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પ્રિન્સ ફિલિપના અવસાનથી ૯૪ વર્ષનાં રાણી એલિઝાબેથને મોટી ખોટ વર્તાશે, કારણકે તેઓ સતતપણે રાણીનાં પડખે રહ્યા હતા અને ખુદ રાણીએ એક વાર જાહેરમાં કહ્યું હતું કે ‘પ્રિન્સ ફિલિપ જ મારી શક્તિ છે અને તેઓ કેટલાંય વર્ષથી (આઠ દાયકાથી) સદા મારી પડખે ઊભા રહ્યા છે.’
પ્રિન્સ ફિલિપ મોટા ભાગના ચૅરિટી કાર્યોમાં રાણીની સાથે જોવા મળતા હતા. ૨૦૧૭માં ૯૬ વર્ષની ઉંમરે તેમણે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તેઓ લોર્ડ માઉન્ટબેટનના ભત્રીજા હતા. જૂનમાં પ્રિન્સ ફિલિપ ૧૦૦ વર્ષ પૂરાં કરવાના હતા. ૧૯૪૭માં (ભારતની આઝાદીના વર્ષમાં) એલિઝાબેથ અને ફિલિપે લગ્ન કર્યાં હતાં. રાણી એલિઝાબેથનું ૬૯ વર્ષનું શાસનકાળ બ્રિટિશ રાજવી પરિવારમાં સૌથી લાંબું ગણાય છે અને પરિવારમાં અલગ જ પ્રભાવ ધરાવતા પ્રિન્સ ફિલિપે રાણીના સમગ્ર શાસન દરમ્યાન પ્રેમાળ સ્વભાવ સાથે સૌ કોઈના દિલ જીતી લીધા હતા. તેમનામાં ગજબની મક્કમતા અને સંકલ્પની ભાવના પણ હતી.

national news international news london