વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપ્યું રાજીનામું

02 August, 2021 06:52 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવા પાછળનું કારણ શું છે તે અંગે કોઈ જાણકારી મળી નથી.

નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવા પાછળનું કારણ શું છે તે અંગે હજી સુધી કોઈ ખુલાસો થયો નથી. જોકે હવે બધાની અસર તેમના રાજીનામાં પાછળના  કારણ પર છે. અમરજીત સિંહાના રાજીનામાની હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી,પરતું વડાપ્રધાન કાર્યાલયના સૂત્રોના આધારે માહિતી આપવામાં આવી રહી છે.


અમરજીત સિન્હા બિહાર કેડરના અધિકારી છે. અમરજિત સિન્હા 1983 બિહાર કેડરના આઈએએસ (નિવૃત) અધિકારી છે. તેમણે ગ્રામીણ વિકાસ સચિવ તરીકે પણ સેવાઓ આપી છે. તાજેતરના મહિનાઓમાં પીએમઓમાંથી રાજીનામું આપનાર તેઓ બીજા વરિષ્ઠ અધિકારી છે. અગાઉ માર્ચમાં પૂર્વ કેબિનેટ સચિવ પીકે સિન્હાએ રાજીનામું આપ્યું હતું  જે વડાપ્રધાન કાર્યાલયમાં મુખ્ય સલાહકાર હતા.

વડાપ્રધાન મોદીના સલાહકાર પહેલા સિન્હા ગ્રામીણ વિકાસ મંત્રાલયના સચિવ તરીકે કામ કરતા હતાં. ત્રણ દાયકાની કારકિર્દીમાં, સિન્હાએ શિક્ષણ મંત્રાલય અને પંચાયતી રાજમાં મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ ગ્રામીણ વિકાસ બાબતોમાં નિષ્ણાત છે. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન અને સર્વ શિક્ષા અભિયાન જેવી યોજનાઓમાં તેમની ભૂમિકા મહત્વની હતી.

ફેબ્રુઆરી, વર્ષ 2020માં  સિન્હાની વડાપ્રધાનના સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેઓ સામાજિક ક્ષેત્રે સાથે જોડાયેલા પ્રોજેક્ટને હેન્ડલ કરતા હતા. તેમનો કાર્યકાળ બે વર્ષનો હતો. એક રિપોર્ટ મુજબ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના એક અધિકારીએ નામ ન આપવાની શરતે સિન્હાના રાજીનામાની પુષ્ટિ કરી છે. અમરજીત સિન્હાને સામાજિક ક્ષેત્રમાં 33 વર્ષથી વધુનો અનુભવ છે. સર્વ શિક્ષા અભિયાન અને રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશનની રચનામાં પણ તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

 

national news narendra modi