વડાપ્રધાન મોદી અમેરિકા જવા રવાના, શા માટે મહત્વનો છે આ પ્રવાસ, જાણો વિગત

22 September, 2021 01:42 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન મોદી અમેરિકા જવા રવાના, શા માટે મહત્વનો છે આ પ્રવાસ, જાણો વિગત

વડાપ્રધાન મોદી

જો બાઈડન રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે. પીએમ મોદી અમેરિકા જવા માટે રવાના થઈ ગયા છે. આયોજન મુજબ વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે 24 સપ્ટેમ્બરે મુલાકાત કરશે. વોશિંગ્ટનમાં પીએ મોદી અને  જો બાઈડનની મુલાકાત થશે. આ ઉપરાંત પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસન અને જાપાનના વડાપ્રધાન સુગા સાથે પણ મુલાકાત કરશે. જેમાં બંને દેશ સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી આજે અમેરિકાના પાટનગર વોશિંગ્ટન પહોંચી જશે. રાષ્ટ્રપતિ બાઈડન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે અમે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ.પીએમ મોદીની અમેરિકાની મુલાકાત વિશે વ્હાઈટ હાઉસથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. 

 આ મુદ્દા પર કરશે ચર્ચા

અમેરિકાની મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ અમેરિકા સાથે સ્ટ્રેટેજી પાર્ટનરશિપ મજબૂત કરવા અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, `અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનના આમંત્રણથી હું 22-25 સપ્ટેમ્બર 2021 સુધી અમેરિકાની મુલાકાતે છું. આ દરમિયાન જો બાઈડન સાથે વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.` વડાપ્રધાન મોદી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ મુલાકાત કરશે. 

વધુમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, `હું ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળવા માટે પણ ઉત્સુક છું. હેરિસ સાથે વિજ્ઞાન અને ટેક્નોલોજીના સેક્ટરમાં સહયોગ વિશે ચર્ચા કરવામાં આવશે. જ્યારે જો બાઈડન સાથે રણનીતિની ભાગીદારી અને બંને દેશોના હિત માટે ગ્લોબલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.`બંને નેતાઓ વચ્ચે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હાલની સ્થિતિ વિશે પણ ચર્ચા શક્ય છે. જો બાઈડન સાથે બેઠક દરમિયાન પીએમ મોદી દુનિયામાં ફેલાતા આતંકી નેટવર્ક વિશે વાત કરશે અને એનાથી ઊભાં થતાં જોખમ સામે પણ પોતાની વાત રજૂ કરશે.

જાણો સમગ્ર કાર્યક્રમ

પીએમ મોદી આજે અમેરિકા જવા માટે રવાના થયા છે. 23 સપ્ટેમ્બરે તેઓ અમેરિકા પહોંચશે. તે જ દિવસને વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયા અને જાપાનના વડાપ્રધાનો સાથે મુલાકાત કરશે. ત્યાર બાદ 24 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી જો બાઈડન સાથે મુલાકાત કરશે અને તે જ દિવસે તેઓ ક્વાડ બેઠકમાં સામેલ થશે.  ત્યાર પછી 25 સપ્ટેમ્બર    ના રોજ પીએમ મોદી UNGAમાં સંબોધન કરશે અને 26 સપ્ટેમ્બરના રોજ ભારત પરત ફરશે.

હકીકતે વડાપ્રધાન મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યાં છે. જેમાં રાષ્ટ્રપતિ બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા પણ સામેલ હશે અને ત્યાં તેઓ વ્યક્તિગત રીતે ક્વાડ લીડર્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. આ સમંલેનમાં વિશ્વના ભવિષ્ય માટે પગલા લેવા અંગે ચર્ચા કરવામાં આવશે.

national news narendra modi united states of america joe biden